જળવાયુ પરિવર્તનથી પરેશાન દિવ્યાંગો
જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાભરમાં કુદરતી આપત્તિ વધી રહી છે. પૂર હોય કે જંગલમાં ભયાનક આગ હોય, એ તમામમાં સૌથી વધુ પ્રભાવિત થતા હોય તો તે દિવ્યાંગો છે. સંયુક્ત માનવ અધિકાર પરિષદના મતે દિવ્યાંગો હજુ પણ આપત્તિથી સૌથી વધુ પ્રભાવિત થતા લોકોની યાદીમાં આવે છે, ત્યારે પ્રશ્ન એ થાય કે દિવ્યાંગ લોકો જળવાયુ પરિવર્તનમાં થઇ રહેલા ફેરફારથી આટલા પ્રભાવિત કેમ થાય છે અને તેમને બચાવવા માટે શું થઇ શકે?
2018ના જુલાઇમાં કેનેડાના મોન્ટ્રીયલમાં ભીષણ ગરમી પડી હતી. કેટલાય દિવસો સુધી તાપમાન 35.5 ડિગ્રી રહ્યું હતું. આ હીટવેવમાં 61 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં એક ચતૃથાંશ મૃતકો તો સ્કિત્ઝોફ્રેનિયાના દર્દીઓ હતા. સ્વાભાવિક છે કે સ્કિત્ઝોફ્રેનિયાના દર્દીઓ એન્ટી સાઇકોટિકની દવા લેતા હોય છે. આ દવા લેનારા દર્દીઓ વધુ ગરમી સહન કરી શકતા નથી, તેમના શરીરમાં પાણી ઓછું થઇ જવાનું જોખમ વધે છે, જે ઘણા માટે ઘાતક નીવડે છે. ઉપરાંત સ્કિત્ઝોફ્રેનિયાથી પીડીત લોકોનો સમાજ સાથેનું જોડાણ બહુ ઓછું હોય છે અને તેઓ ગરીબ પણ હોય છે, સરવાળે જળવાયુ પરિવર્તનની વિઘાતક અસર તેમના ઉપર સૌથી વધુ પડે એવી આશંકા વિજ્ઞાનીઓ સેવી રહ્યા છે.
2019માં કેલિફોર્નિયાના જંગલમાં ભયાનક આગ લાગી હતી. એ સમયે જંગલ વિસ્તારમાં રહેતા અનેક દિવ્યાંગો ઘરમાંથી ભાગી જવામાં ભારે પરેશાન થયા હતા. જેઓ આગથી બચવા ભાગી શક્યા, તેમને માટે અનુકૂળ પાણી, બાથરૂમ અને સુરક્ષિત સ્થળ અમેરિકામાં પણ પૂરા પાડી શકાયા ન હતા, તો વિચાર કરો કે એવી સ્થિતિમાં ભારત જેવા દેશોમાં તેમના શા હાલ થાય ?પૂર પણ એવી કુદરતી આપત્તિ છે, જેમાં દિવ્યાંગોનો મોટી સંખ્યામાં ભોગ લેવાય છે. આ વર્ષે જ જર્મનીમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ ખૂબ પડે એટલે વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થાના અપૂરતી હોવાને કારણે પૂર આવતા હોય છે.
જર્મનીમાં એક ઘરમાં રહેતા 12 વિકલાંગો પૂરથી બચવા ઘરમાંથી ભાગી શક્યા જ નહીં અને કોઇએ દરકાર કરી પણ નહીં, સરવાળે એ તમામ બારેબાર વિકલાંગોના મૃત્યુ થયા હતા. અનેક દિવ્યાંગો વ્હીલચેર પર જ હેરફેર કરી શકતા હોય છે. પૂર વખતે તેમને બચાવવા માટે મોકલાતી નૌકા પર તે સવાર થઇ શકતા નથી, તેને કારણે પણ આખરે તેઓ મોતને ભેટે છે. નૌકામાં દિવ્યાંગો સરળતાથી ચઢી શકે એવી સગવડ હોતી નથી. 2005માં અમેરિકામાં પૂર આવ્યા ત્યારે લોકોને સ્થળાંતરિત કરવા માટે બસો મોકલવામાં આવી હતી. પરંતુ એ બસોમાં વ્હીલચેર લીફ્ટ ન હતી અને તેને કારણે તેમને બચાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ થઇ ગયું હતું.
યાદ રહે કે ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે હવામાનમાં પલ્ટો આવી રહ્યો છે. છેલ્લા 50 વર્ષોમાં કુદરતી આપત્તિ પાંચ ઘણી વધી ગઇ છે. હજુ તો આપણે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરવામાં કાપ મૂકવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં કુદરતી આપત્તિઓમાં વધારો થવાની આશંકા છે.
જળવાયુ પરિવર્તન સંદર્ભે નવા કાયદાઓ ઘડાઇ રહ્યા છે, પરંતુ તે માટે દિવ્યાંગોનો ખાસ વિચાર થતો નથી. એક કાયદો પ્લાસ્ટિકની સ્ટ્રો ઉપર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ દિવ્યાંગો માટે સીધા ગ્લાસમાંથી કશું પીવું એ કેટલું મુશ્કેલ હોય છે, તેનો કાયદા ઘડનારાઓએ કોઇ વિચાર જ ન કર્યો. ઘાતુની સ્ટ્રો તેનો ઉપયોગ કરનારાઓને નુકશાન પહોંચાડે છે. તેનાથી ઇજા પણ થઇ શકે અને કાગળની સ્ટ્રો વાળી શકાતી નથી, તેથી દિવ્યાંગો માટે પ્લાસ્ટિકની સ્ટ્રો ઘણી ઉપયોગી હતી. પરંતુ કાયદા ઘડનારાઓને તો પ્લાસ્ટિકનો કચરો ઘટાડવામાં જ વધુ રસ હતો. આવા તો ઘણા કાયદા દિવ્યાંગોને કનડી રહ્યા છે.
હવે એ દિશામાં પ્રયાસ શરૂ થવા જોઇએ કે જળવાયુ પરિવર્તનની અસરાથી દિવ્યાંગોને સૌથી ઓછી અસર થાય એ પણ વિચારવાની જરૂર છે.
લેખક : અશોક પટેલ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnews.in” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnews.in” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.