1 જૂનથી 30 જૂન સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન
સુરત : સર્વજનિક યુનિવર્સિટી તેના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે “Celebrating 5 Years of Shaping Futures” થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને સામાજિક જવાબદારીને કેન્દ્રસ્થાને રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસભરની ઉજવણી કરી રહી છે.
114 વર્ષ જૂની પરોપકારી સંસ્થા સર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 1 જૂન, 2021ના રોજ સ્થાપિત સર્વજનિક યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવાચાર અને સમાજ વિકાસની દિશામાં પોતાની સફળ પાંચ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. “Journey Towards an Enlightened Society”ના વિઝન તથા સર્વસમાવેશક, સંકલિત અને નવોચારી શિક્ષણના મૂલ્યોને આધારે યુનિવર્સિટી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે.
સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમો ઓફર કરે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓએ GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સમયગાળા દરમિયાન B.Sc. અને M.Sc. (Artificial Intelligence & Data Science), Post Graduate Diploma in Financial and Banking Services (PGDFBS), Integrated MCA (IMCA), M.Sc. Clinical Embryology, LL.M. તેમજ વિવિધ આંતરવિષયક પ્રમાણપત્ર અભ્યાસક્રમો જેવા આધુનિક અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીએ તાજેતરમાં “સર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ”ની સ્થાપના કરી છે અને B.A. (Psychology) તથા B.A. (Economics) જેવા નવા સ્નાતક અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉપરાંત Statistics, Mass Communication, Psychology અને Economics માં માઇનર સ્પેશિયલાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
યુનિવર્સિટીએ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધાઓ અને વિદ્યાર્થીકેન્દ્રિત કેમ્પસ માળખા દ્વારા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે. સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે. ઉપરાંત યુવાનો માટે ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવતા અન્ય વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. SES સેન્ટ્રલ લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધુ પુસ્તકો અને ડિજિટલ સ્રોતો ધરાવતું જ્ઞાનકેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ સ્થાપના વર્ષ ઉજવણીને સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા તથા યુનિવર્સિટીના પ્રથમ પ્રોવોસ્ટ અને સ્થાપના દિવસ ઉજવણી સમિતિના કન્વીનર પ્રો. પર્સી એન્જિનરના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો આધાર પ્રાપ્ત થયો છે.
ઉજવણીનો પ્રારંભ 01 જૂન, 2026 ના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કટિંગ સમારોહ સાથે થયો હતો. ત્યારબાદ “Future of Education in Society” વિષય પર વિશેષ Foundation Flagship Lecture Seriesનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને જાણીતા શિક્ષણવિદ્ પ્રો. પંકજ ચંદ્રાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે “SU SPARK – 5×5: Ideas Worth Spreading” કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવાચાર, સર્જનાત્મકતા, સંઘર્ષશીલતા, ટેક્નોલોજી અને સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પ્રેરણાદાયી ટૂંકા પ્રવચનો રજૂ કરશે.
માસભરની ઉજવણી દરમિયાન રક્તદાન શિબિરો, આરોગ્ય તપાસ કેમ્પો, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી અને સમુદાય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉજવણીનો સમાપન સમારોહ 30 જૂન, 2026ના રોજ “Gratitude & Recognition Ceremony” સાથે યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખો, સ્થાપક સભ્યો, અધ્યાપકો અને કર્મચારીઓને યુનિવર્સિટીના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં સ્કોલરશિપની જાહેરાત, પુરસ્કાર વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યુનિવર્સિટીની પાંચ વર્ષની યાત્રાને દર્શાવતી વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ અવસરે સર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તથા સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને સર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા તરીકે નહીં, પરંતુ ચારિત્ર્ય ઘડતર, નવાચારને પ્રોત્સાહન અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપતી સંસ્થા તરીકે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.


