જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયક ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરાયું હતું. ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા મુવી ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનો ને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી. આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર કનુ બાપા પર બનાવવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપતી આ ફિલ્મ દિવ્યાંગોને બતાવવાનો વિચાર રાજેશભાઈ ને આવ્યો હતો. દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ હંમેશા રાજેશ આયરે દિવ્યાંગો ની સેવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે આજે ૧૦૦ ઉપરાંત દિવ્યાંગજનો એ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમાગૃહ પહોંચ્યા હતા, દિવ્યાંગો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા સિનેમા ગૃહ પહોંચ્યા હતા.ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો. દીપ પ્રાગટ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કનુભાઈ ધ ગ્રેટ મુવીના કલાકાર રેના સોમયિયા, વનરાજ સિસોદિયા ( કનુભાઈ ), આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે,પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા. જે બાદ સૌ કોઈ સિનેમા ગૃહમાં સ્થાન લીધું હતું. આ તબક્કે જય સાઈનાથ ટીમ અને રાજેશભાઈનો દિવ્યાંગોએ આભાર વ્યક્ત કર્યો હતો. મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ થઈ હતી.
દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશ આયરે અને જય સાઈનાથ ટીમ ના આ સુંદર કાર્યને વધાવા માટે વડોદરાના મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ,કાઉન્સિલર ઉમિષા વસાવા સુરેખાબેન પટેલ, નરસિંહ ચૌહાણ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સાથે વોર્ડ સંગઠન પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ ખાતે પહોંચ્યા હતા અને આયોજકોને સુંદર અભિનંદન પાઠવ્યા હતા. “કનુભાઈ – ધ ગ્રેટ” આધારિત છે, “દિવ્યાંગોના મસીહા” તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા “ડીસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા”ના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા “પદ્મશ્રી” એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત ગૌરવ” ઍવોર્ડથી સન્માનીત થયેલા સેવા-નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેઈલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર આધારિત છે.જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોનાં જીવનમાં એક નવો જ જોશ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયુ છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે. ફિલ્મના મુખ્ય નિર્માતા ડો. મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટનાં નિર્માણમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશીશ કરી છે.સૌ પણ પદમશ્રી એવોર્ડી સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલી મળશે.
વિજય ચૌહાણ સાથે મહેન્દ્ર સોલંકી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં