સુરત (Surat) શહેરમાં સોશિયલ મીડિયા અને ગે ડેટિંગ એપનો દુરુપયોગ કરીને યુવકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓ ‘રાજ’ નામની નકલી ID બનાવી લોકો સાથે મિત્રતા કરતા અને ત્યારબાદ (Surat) વરાછા વિસ્તારમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવી મારપીટ કરીને મોબાઈલ, રોકડ અને ઓનલાઈન રૂપિયા પડાવી લેતા હતા.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે છેલ્લા 15 દિવસમાં ઓછામાં ઓછા ત્રણ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. હાલ પોલીસે બે આરોપી અને એક કિશોરને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે.

ફ્રૂટની લારી ચલાવતા યુવકને મિત્રતા ભારે પડી
પોલીસ ફરિયાદ મુજબ (Surat) લિંબાયત વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા યુવકે થોડા દિવસ પહેલાં એક ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ‘રાજ’ નામની ID પરથી તેની સાથે વાતચીત શરૂ થઈ હતી.વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીએ યુવકને 28 જૂને વરાછાના ઓરેન્જ પાર્ક પાસે આવેલી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા જ પહેલેથી હાજર અન્ય સાગરીતોએ તેને ઘેરી લીધો હતો.
મારપીટ કરીને મોબાઈલ, રોકડ અને Google Pay મારફતે રૂપિયા પડાવ્યા
બિલ્ડિંગમાં પહોંચ્યા બાદ આરોપીઓએ યુવક સાથે મારપીટ કરી તેના પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લીધી હતી.આટલું જ નહીં, આરોપીઓએ ધાકધમકી આપી યુવક પાસેથી Google Pay મારફતે ₹1,000 પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ યુવકને ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ધમકીના કારણે ફરિયાદ કરવામાં મોડું થયું
લૂંટ બાદ આરોપીઓએ યુવકને સમગ્ર ઘટનાની જાણ કોઈને નહીં કરવાની ધમકી આપી હતી. સમાજમાં બદનામી થવાની બીક અને ધમકીને કારણે ભોગ બનેલા યુવકે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.પરંતુ પરિવારજનોએ હિંમત આપતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
બે આરોપી અને એક કિશોર ઝડપાયા
તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં સુશાંત ઉર્ફે આકાશ કુંવરબહાદુર વર્મા (21), સોમરાજ અર્જુન ગામેતી (21) તેમજ એક કિશોરને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. હાલ ત્રણેયની પૂછપરછ કરીને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
15 દિવસમાં ત્રણ લોકોને બનાવી ચૂક્યા હતા શિકાર
પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ આ પહેલાં પણ બે અન્ય લોકોને એ જ રીતે ઓરેન્જ પાર્ક નજીકની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવી લૂંટ ચલાવી હતી.દરેક ઘટનામાં આરોપીઓનો મોડસ ઓપરેન્ડી એકસરખો હતો. પહેલા સોશિયલ મીડિયા અથવા ગે ડેટિંગ એપ પર મિત્રતા કરવી, પછી એકાંત સ્થળે બોલાવી મારપીટ કરીને મોબાઈલ અને રોકડ લૂંટી લેવી.
આ પણ વાંચો : સુરત (Surat) માં નકલી ઘીનો મોટો પર્દાફાશ! વેડ રોડ પર દરોડામાં ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
વધુ ભોગ બનનારાઓની પણ તપાસ શરૂ
સુરત (Surat) પોલીસને શંકા છે કે આ ગેંગે ત્રણથી વધુ લોકોને પણ નિશાન બનાવ્યા હોઈ શકે છે. તેથી આરોપીઓના મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એપ્લિકેશનના ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આવી જ રીતે લૂંટનો ભોગ બન્યો હોય તો તે નિર્ભયપણે આગળ આવી ફરિયાદ નોંધાવે.
સુરત (Surat) પોલીસની નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ
પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા અથવા ડેટિંગ એપ પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. કોઈ અજાણ્યા વ્યક્તિના કહેવા પર એકાંત સ્થળે મળવા જવું જોખમી સાબિત થઈ શકે છે.કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય અથવા આવી ઘટના બને તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. સતર્કતા જ આવા ગુનાઓથી બચવાનો સૌથી અસરકારક રસ્તો છે.
