Metaના CEO માર્ક ઝકરબર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે ભારત સરકાર પાસે માફી માંગી હોવાનું સામે આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર Metaએ સ્વીકાર્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે પોસ્ટ દૂર થઈ ગઈ હતી. આ ઉપરાંત કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ, ડીપફેક અને કન્ટેન્ટ મોડરેશન સંબંધિત ગંભીર ખામીઓ હોવાની પણ કબૂલાત કરી છે.
Metaની ગ્લોબલ ટીમે IT મંત્રી સાથે કરી મહત્વપૂર્ણ બેઠક
Metaની ગ્લોબલ ટીમે ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કેપલનના નેતૃત્વમાં કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને IT સચિવ એસ. કૃષ્ણન સાથે બેઠક યોજી હતી. આ બેઠક PM મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના વિવાદ બાદ યોજાઈ હતી.સરકારે અગાઉ Metaને સમન્સ મોકલી સ્પષ્ટતા માગી હતી. ત્યારબાદ કંપનીના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે.
PM મોદીની પોસ્ટ કેમ હટાવવામાં આવી?
23 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે પેપર લીકની સમસ્યાને ગંભીર ગણાવી ઝડપી કાર્યવાહી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની જરૂરિયાત અંગે વાત કરી હતી.થોડા સમય બાદ આ વીડિયો Metaના પ્લેટફોર્મ પરથી દૂર થઈ ગયો હતો. ઘટનાને લઈને સરકારમાં નારાજગી જોવા મળી હતી અને મિટા પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
Metaએ ટેક્નિકલ ખામીનો દાવો કર્યો
મિટા એ જણાવ્યું હતું કે PM મોદીની પોસ્ટ કોઈ ઇરાદાપૂર્વક નહીં પરંતુ ટેક્નિકલ ખામીને કારણે હટાવવામાં આવી હતી. કંપનીએ આને એક અનિચ્છનીય ભૂલ ગણાવી અને તેના માટે સત્તાવાર રીતે માફી માંગી હતી.જોકે, IT મંત્રાલયે કંપનીની પ્રાથમિક સ્પષ્ટતાને અપૂરતી અને અસંતોષકારક ગણાવી હતી.
આ પણ વાંચો : સુરત(Surat)માં ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ: ‘રાજ’ના નામે ચેટ કરી મળવા બોલાવી લૂંટ ચલાવતા, 15 દિવસમાં 3 લોકો બન્યા શિકાર
ડીપફેક અને ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ અંગે પણ મિટા ની કબૂલાત
બેઠક દરમિયાન Metaએ સ્વીકાર્યું કે તેના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM), ડીપફેક કન્ટેન્ટ અને કન્ટેન્ટ મોડરેશન સંબંધિત અનેક પડકારો સામે આવી રહ્યા છે.કંપનીએ જણાવ્યું કે આવા કન્ટેન્ટને ઝડપથી ઓળખવા અને દૂર કરવા માટે સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
સરકારે કડક વલણ અપનાવ્યું
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોએ જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. મહત્વપૂર્ણ જાહેર માહિતી અથવા ચૂંટાયેલા નેતાઓની પોસ્ટ હટાવવા જેવી ઘટનાઓ ફરી ન બને તે માટે Meta સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મોએ વધુ સાવચેતી રાખવી પડશે.સરકારના જણાવ્યા મુજબ, કન્ટેન્ટ મોડરેશનમાં પારદર્શિતા અને જવાબદારી બંને અનિવાર્ય છે.
મિટા માટે આગળનો પડકાર
PM મોદીની પોસ્ટ હટાવવાના વિવાદ બાદ મિટા સામે વિશ્વસનીયતા જાળવવાનો પડકાર ઊભો થયો છે. કંપનીએ ટેક્નિકલ ખામીઓ દૂર કરવાની, ડીપફેક સામે અસરકારક પગલાં ભરવાની અને ગેરકાયદેસર કન્ટેન્ટને ઝડપી હટાવવાની ખાતરી આપી છે.આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી અને કન્ટેન્ટ મોડરેશન અંગે ફરી એક વખત ચર્ચા તેજ કરી છે.
