જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
ગતાંક થી ચાલુ….
(ભાગ- 6)
અગાઉ ના લેખોમાં આપણે ૐ ને અક્ષર તરીકે અલગ અલગ ઘણી રીતે રીતે સમજ્યા. વાચક મિત્રોને અગાઉના લેખોથી ઘણી સમજુતી પ્રાપ્ત થઇ હશે તેવી મને શ્રધ્દ્ધા છે. આ લેખમાં આપણે ‘હિન્દુ ધર્મના ધર્મસાહિત્યો’ માં ૐ વિશે શું સમજણ આપવામાં આવી છે તે સમજવાનો પ્રયત્ન કરીશું.
ૐ વિશે ગીતામાં આપેલ સમજણ:
ગીતામાં કહ્યું છે :
“અક્ષરોના પરમ સંયોજન ૐ કાર નું ઉચ્ચારણ કરતા રહી, જો કોઈ મનુષ્ય પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહ ત્યાગ કરે છે તો તેની પરમગતિ થાય છે.” (૮.૧૩)
“હું આ બ્રહ્માંડ નો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધ કર્તા તથા ૐ કાર છું. ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું છું.” (૯.૧૭)
“જેઓ વેદોના જાણકાર છે, જેઓ ૐ નું ઉચ્ચારણ કરે છે, તેવા વિતરાગીઓ બ્રહ્મ માં પ્રવેશ કરે છે.” (૮.૧૧)
“હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણી માં દિવ્ય ૐ કાર છું,” (૧૦.૨૫)
“બ્રહ્મ ની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હમેશા ૐ થી કરે છે.” (૧૭.૨૪)
“ હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું. વૈદિક મંત્રોમાં ૐ કાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું.” (૭.૮)
“સર્જનની શરૂઆતથી ૐ , તત, સત આ ત્રણે શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા પ્રયુક્ત કરાતા રહ્યા છે.” (૧૭.૨૩)
ૐ વિશે ઉપનીષદોમાં આપેલ સમજણ:
જે પદનું સર્વ વેદો વર્ણન કરે છે, જે બધી તપશ્ચર્યાઓ નું ધ્યેય છે, અને જેની ઈચ્છા રાખીને લોકો જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે છે તે પદ ૐ છે. આ ૐ અક્ષર જ બ્રહ્મ છે. આ ૐ અક્ષર જ પરમ તત્વ છે. આ ૐ અક્ષર ને જાણીને જે જેની ઈચ્છા કરે છે તે તેને મળે છે. આ ૐ અક્ષર ને આધાર જાણીને મનુષ્ય બ્રહ્મલોક માં પૂજાય છે. (કથોપનિષદ,પહેલો અધ્યાય, બીજી વલ્લી, શ્લોક ૧૫-૧૭)
જે આ ૐ કાર છે તે જ પરબ્રહ્મ અને પરમબ્રહ્મ છે. આથી જ્ઞાની પુરુષ એ ૐકાર ના આશ્રય વડે બે માંથી એક ને મેળવે છે. તે જો “અ” એવી એકમાત્રા વાળા ૐ ની ઉપાસના કરે છે, તો તેના વડે જ્ઞાન મેળવી જલ્દી આ પૃથ્વી પર જન્મે છે. ‘અ’ અને ‘ઉ’ એવી બે માત્રાવાળા ૐ કાર ની જે ઉપાસના કરે છે તે અંતરીક્ષ માં રહેલ ચંદ્રલોકમાં ઊંચો ચઢે છે. ચંદ્રલોકમાં વૈભવ ભોગવીને પાછો આવે છે. જે મનુષ્ય ‘અ’, ‘ઉ’, ‘મ’ એવી ત્રણ માત્રાવાળા ૐ અક્ષર વડે પરમ પુરુષનું ધ્યાન કરે છે, તે તેજોમય સૂર્યલોક ને પ્રાપ્ત કરે છે. પાપથી છૂટી બ્રહ્મલોક તરફ ઉંચો ચઢે છે અને પરાત્પર (પર થી પણ પર) પુરુષનો સાક્ષાત્કાર કરે છે. (પ્રશ્ન ઉપનિષદ,પાંચમો પ્રશ્ન, શ્લોક ૨ થી ૫)
ૐ કાર ની ત્રણ ‘અ’, ‘ઉ’, ‘મ’ માત્રાઓ મૃત્યુ લક્ષણ (એટલે કે વિનાશી) છે. અને તેઓ અમૃત લક્ષણ (એટલે કે અવિનાશી) અર્ધ માત્રામાં એટલે કે જે પરબ્રહ્મ આદ્ય સ્વરૂપ છે તેમાં જોડાયેલી છે. (પ્રશ્ન ઉપનિષદ , પાંચમો પ્રશ્ન, શ્લોક ૬)
આ બધું ૐ કાર રૂપ જ છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું ૐ કાર રૂપ જ છે. જે કઈ આ કાળ થી પર છે, તે પણ ૐ કાર રૂપ જ છે. (માંન્દુક્ય ઉપનિષદ શ્લોક ૧)
આ આત્મા જ અક્ષર દ્રષ્ટિ થી ૐ કાર છે, જે માત્રાઓના વિષય માં સ્થિત છે. (માંન્દુક્ય ઉપનિષદ, શ્લોક-૮)
ૐ અક્ષર ત્રણ અક્ષરનું સંયોજન છે ‘અ’, ‘ઉ’ અને ‘મ’. અ નો અર્થ છે અપ્તિ (પામવું અથવા પહોચવું). ‘ઉ’ નો અર્થ છે ઉત્કર્ષ અથવા ઉભય તત્વ. ‘મ’ નો અર્થ છે મિતિ (આગળ ધપાવવું, પરિવર્તન) (માંન્દુક્ય ઉપનિષદ શ્લોક ૯ થી ૧૨)
જાગ્રત અવસ્થાનો વૈશ્વનાર આત્મા ‘અ’ કાર રૂપ પહેલી માત્રા છે. સ્વપ્ન અવસ્થાનો તેજસ આત્મા ‘ઉ’ કાર રૂપ બીજી માત્રા છે. પ્રાજ્ઞ આત્મા ‘મ’ કાર રૂપ ત્રીજી માત્રા છે. માત્રા વિનાનો ચોથો આત્મા વાણીના વ્યવહારથી પર અને દ્વૈત વિનાનો છે. આ પ્રમાણે ૐ કાર જ આત્મા છે. (ઐતરીય ઉપનિષદ,પ્રથમ અધ્યાય,ત્રીજો ખંડ, શ્લોક-૧૨)
આ શરીરમાં ૐ કાર વડે આત્મા ને જોઈ શકાય છે. જેમ નીચલી અને ઉપલી અરણી (અગ્નિ પ્રકટાવવા ની લાકડી) ના ઘર્ષણ વડે અગ્નિ પ્રગટ થાય છે, તેમ પોતાનું શરીર અને ૐ કાર એ બે ના ધ્યાનરૂપ ઘર્ષણના અભ્યાસ વડે ગૂંઢ રહેલા પરબ્રહ્મ નો સાક્ષાત્કાર કરવો. (ઐતરીય ઉપ. પ્રથમ અધ્યાય, ત્રીજો ખંડ, શ્લોક ૧૩-૧૪)
આ સર્વ ભૂતોનો સાર પૃથ્વી છે, પૃથ્વીનો સાર પાણી છે, પાણીનો સાર અન્ન છે, અન્નનો સાર મનુષ્ય છે, મનુષ્યનો સાર તેની વાણી છે. વાણી નો સાર ઋક (ઋગ્વેદના મંત્રો) છે. ઋક નો સાર સામ (સામવેદના મંત્રો, સામ એટલે પ્રાણ) છે. અને સામ નો સાર ઉદગીથ (ૐ મંત્ર) છે. આ જે આઠમો સાર ૐ મંત્ર છે, તે દરેક સાર નો પણ સાર છે. તેથી પરમાત્માની જેમ તેની પણ પૂજા કરવી જોઈએ (છાંદોગ્ય ઉપ. પહેલો અધ્યાય, પહેલો ખંડ, શ્લોક ૨-૩)
પ્રણવ ધનુષ છે, આત્મા બાણ છે અને બ્રહ્મ તેનું લક્ષ્ય છે. જેનું સાવધાની પૂર્વક વેધન કરવું જોઈએ. (મૂંડક ઉપનિષદ-મૂંડક-૨, ખંડ-૨, શ્લોક-૪)
ૐ ઈત્યેતત અક્ષર: ! (અર્થાત ૐ અવિનાશી અને અવ્યય છે. – છાંદોગ્ય ઉપનિષદ)
ૐ મંત્રની વિશેષતા એ છે કે પવિત્ર અથવા અપવિત્ર દરેક સ્થિતિમાં એના જપ થી, લક્ષ્ય ની પ્રાપ્તિ થાય છે. જેમ કમળપત્ર પર પાણીનું બિન્દુ રોકાતું નથી, તેમ જપ કરવાવાળાને કોઈ દોષ નથી લાગતો. (ધ્યાનબિન્દુ ઉપનિષદ)
ૐ જ બ્રહ્મ છે. ૐ જ પ્રત્યક્ષ જગત છે. ૐ આ જગતની અનુકૃતિ છે. ૐ દ્વારા જ જ્ઞાનીઓ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. –(તૈતરીય ઉપનિષદ,આઠમી વલ્લી, શિક્ષા વલ્લી – શ્વેતાસ્વતર ઉપનિષદ, ૧.૭ અને બૃહદારણ્યક ઉપનિષદ ૫.૧.૧)
અન્ય સાહિત્યો અને મહાપુરુષોના વાક્યોમાં ૐ ના મહત્વને હવે પછીના લેખાંક-૭ માં સમજશું.
!!! ૐ તત્સત !!!
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.