જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
ગતાંક થી ચાલુ….
(ભાગ- ૫)
અગાઉ લેખ ૧ થી ૪ માં આપણે ૐ અક્ષર વિશે ઘણી અગત્યની માહિતી મેળવી
હવે આગળ વધીએ. આ લેખ માં હજુ એક અગત્યની માહિતી મેળવીએ.
ૐ અક્ષર એ ત્રણ અક્ષરનું સંયોજન છે, અ + ઉ + મ જે અગાઉ આપણે સમજ્યા.જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. ૐ ને બ્રહ્માંડની રચનામાં ભૂર, ભુવ, સ્વ ત્રણ ભાગ ની ઉત્પતિ તરીકે પણ સમજ્યા, કારણકે આ નાદ, આ વખતે જ ઉત્પન્ન થાય છે. આથી જ ૐ ને બ્રહ્માંડની ઉત્પત્તિકારક શક્તિ તરીકે પણ ઓળખાય છે. વધુ વિગતે સમજીએ તો ‘અ’ અક્ષર નો અર્થ છે આવિર્ભાવ અથવા ઉત્પન્ન થવું. ‘ઉ’ અક્ષર નો અર્થ છે ઉઠવું, ઉડવું અર્થાત વિકાસ, ‘મ’ અક્ષર નો અર્થ છે મૌન થઇ જવું અર્થાત બ્રહ્મલીન થઇ જવું. શ્રુષ્ટિ ના રચયિતા બ્રહ્મા ‘અ” અક્ષરમાં, પાલક વિષ્ણુ ‘ઉ’ અક્ષરમાં અને વિનાશ (હું વિનાશ નહિ પણ પરિવર્તન કરનાર તરીકે સમજાવીશ, કારણ કે દરેક વિનાશ પછી નવી શરૂઆત થતી હોય છે.) કરનારા શિવ ‘મ’ અક્ષરમાં રહેલા કહેવાય છે. જેમને ત્રિદેવ તરીકે પણ ઓળખાય છે. અગાઉ સમજ્યા તેમ ભૂર, ભુવ, અને સ્વ ત્રણે લોક નું પ્રતિક ૐ છે. પ્રશ્ન ઉપનિષદ પ્રમાણે ૐ માં રહેલા આ ત્રણ અક્ષરો એકબીજા સાથે જોડાયેલા છે. તેને છુટા પાડી શકાતા નથી.
ઈશ્વરોને આ રીતે દર્શાવવાની રીત હિન્દુ ધર્મમાં ખુબ પ્રાચીન છે. મધ્યપ્રદેશ માં સોન નદીના કિનારે મળેલા બઘોર પત્થરો કે જે ૯૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન કહેવાય છે તેમાં પણ આ સંરચના જોવા મળે છે. સિધુ સંસ્કૃતિમાં પણ આનો ઉપયોગ જોવામાં આવે છે. આકૃતિમાં સમજાવ્યા પ્રમાણે દરેક સીધા અને ઉંધા ત્રિકોણના સંયોજન કે જેમાં બંનેના કેન્દ્રોને એકરૂપ કરવાથી જે આકૃતિ (ઉભય પછી યુગ્મ) બને છે, તે ૐ માં રહેલી ‘માત્રા’ (પુરુષ+ પ્રકૃતિ) નું સ્થાન દર્શાવે છે. અને વચ્ચે કેન્દ્રમાં જે ‘બિન્દુ’ બને છે કે જે ઉપરના સ્તર પર હોય છે તે પરમાત્માનું સ્થાન બતાવે છે. આ પ્રકારની રચના યંત્રો ની સંરચનામાં એક ખુબ જ સાદી અને મૂળભૂત રચના કહેવાય છે. આમાં અન્ય આકૃતિના સંયોજન થી વિવિધ યંત્રો બનાવાય છે. ઉદાહરણ તરીકે આ રીતે બનતા ‘શ્રી યંત્ર’ ને અહી રેખા ચિત્ર તેમજ ૩-ડી ફોટો દ્વારા દર્શાવ્યો છે. આ જ રીતે અલગ અલગ યંત્રોની સંરચના કરવામાં આવે છે. માત્રા ની નીચે રહેલી આકૃતિઓ દેવકોટિ અને ઈશકોટિના સ્થાનો છે. અહી વાચકને સવાલ એ થશે કે આ ત્રિકોણ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ષટકોણ, અષ્ટકોણ બધી આકૃતિ નો ઉપયોગ કરવાનું મહત્વ શું? સીધા ત્રિકોણ ને તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઉંધા ત્રિકોણને સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી તરીકે તેમજ યુગ્મ તરીકે સમજ્યા, પરંતુ અન્ય આકૃતિઓ નું મહત્વ શું? અત્યારે ટૂંકમાં કહું તો “આ દરેક આકૃતિઓ પૂર્ણાંક ૯ સાથે સંકળાયેલી છે કે જે અંતે પરમાત્મા સાથે સંકળાયેલી છે”. હમણા કદાચ સમજ નહિ પડે તો આટલું જ યાદ રાખજો, કારણકે આવનારા લેખોમાં વિસ્તારથી આ વાત આપણે સમજવા પ્રયત્ન કરીશું..
મિત્રો ૐ અક્ષર કે જે દેવનાગરી, ગુજરાતી કે હિન્દી ભાષા માં જે રીતે લખાય છે અને આપણે જેનાથી પરિચિત છીએ તેને વિવિધ રૂપે સમજવાનો પ્રયત્ન પાંચ લેખ દ્વારા કર્યો. હજુ ઘણી રીતે સમજાવી શકાય તેમ છે. પણ આપણા માટે આટલી સમજ ૐ ને ‘અક્ષર’ રૂપે સમજવા માટે પુરતી છે. થોડી વધુ જરૂરી સમજ આ જ ૐ અક્ષર ને અન્ય ભાષાઓ, સ્ક્રીપ્ટ, ધર્મો વગેરેમાં તથા ‘’ધ્વની અથવા ‘નાદ’ તરીકે આગળ ઉપર સમજશું.
આવતા લેખમાં આપણે હિન્દુ ધર્મના સાહિત્યો ૐ વિષે શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું.
આવતા લેખમાં વધુ સમજુતિ સાથે મળીએ ત્યા સુધી….
!!! ૐ તત્સત !!!
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.