જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
ગતાંક થી ચાલુ….
(ભાગ- 4)
અગાઉ ના લેખોમાં આપણે ૐ ને અલગ અલગ સાત રીતે સમજ્યા. લેખ -૩ માં જે ‘અવ્યક્ત’, ‘વ્યક્ત’ અને ‘વ્યક્તિ’ ની સમજ ગીતાજીના શ્લોકના ઉદાહરણ દ્વારા દર્શાવી એમાં ઘણા વડીલ મિત્રો ને ખુબજ આશ્ચર્ય થયું. એક વડીલે તો ત્યાં સુધી કહ્યું કે ગીતા આખી મને કંઠસ્ત છે છતાં આ પ્રમાણેની સમજ મેં પહેલીવાર અનુભવી. વડીલો અને મહાનુભાવોની આવી લાગણી મારા માટે ઉત્સાહ પ્રેરક છે. એક વાત ખાત્રીપૂર્વક કહીશ કે આપે નહિ કલ્પેલી સમજૂતીઓ સાથે હું આગળ વધી રહ્યો છું, માટે દરેક ને મારી વિનંતી છે કે બધા લેખ સાચવી રાખજો. દરેક લેખનું કોઈક અનુસંધાન આગળ ઉપર મળશે. દા. ત. આ જે ‘અવ્યક્ત’, ‘વ્યક્ત’ અને ‘વ્યક્તિ’ ની સમજ છે તેનાથી એવું સમજાય કે આપણે એટલે કે ‘વ્યક્તિઓ’, આ ‘અવ્યક્ત’ની એટલે કે ‘પરમાત્મા’ની “અભિવ્યક્તિ” છીએ. ખુબ જ અગત્યનું વાક્ય છે. ખુબ વિસ્તારથી હવે પછીના લેખોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે થોડી વધુ સમજુતી સાથે આગળ વધીશું.
ગીતાજી ના અધ્યાય ૧૫ માં દર્શાવેલ “અશ્વત્થ વૃક્ષ” ની સમજણ:
ગીતાજી ના અધ્યાય ૧૫, શ્લોક ૧ થી ૪ માં જે સમજ આપવામાં આવી છે તે મુજબ:
“એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે. જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદમંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે.”
“આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે, અને પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રીઓના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ વિસ્તરે છે જે મનુષ્ય લોકના કર્મોથી બંધાયેલા છે.”
“આ વૃક્ષ ના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઇપણ કદી સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે? અંત ક્યાં છે? અને આધાર ક્યાં છે? મનુષ્યે આ વૃક્ષને વિરક્તિ ના શસ્ત્ર વડે દઢતાથી કાપી નાખવું જોઈએ, અને એવા સ્થાનની શોધ કરવી જોઈએ જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહિ.”
અહી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને અગાઉ ના લેખો માં સમજ્યા મુજબ ૐ અક્ષર ની સમજમાં જે ઈશકોટિ , દેવકોટિ અને જીવકોટિ ના સ્થાનો છે તેમાં, ડાળો એટલે કે ઈશ્વરો, ડાળની શાખા એટલે દેવો, અને વૃક્ષ ના ફળ રૂપ મનુષ્યો-જીવો નો સમાવેશ થાય છે. ‘માત્રા’ નું સ્થાન સગુણ બ્રહ્મ (નારાયણ + નારાયણી) નું છે. જેને વિરક્તિ ના શસ્ત્રો વડે દઢતાથી કાપી નાખવાથી એટલે કે જેની સંપૂર્ણ સમજણ પછી બિન્દુ માં રહેલા પરમાત્માની સમજણ થાય અને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે ‘સાયુજ્ય મુક્તિ’ એટલે કે ‘મોક્ષ’ની પ્રાપ્તિ થાય.
વિવિધ અવસ્થાઓ વડે સમજણ:
‘માન્ડુંક્ય ઉપનીષદ’ શ્લોક ૪ થી ૭ અને ‘ઐતરીય ઉપનીષદ’ પ્રથમ અધ્યાય, ત્રીજો ખંડ , શ્લોક ૧૨ માં આપેલ સમજણ પ્રમાણે આત્મા ની ત્રણ અવસ્થા બતાવવામાં આવી છે. ‘જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત”.
“જેને ‘બહારનું જ્ઞાન’ છે, સાત અંગ છે (માથું, આંખ, મોઢું, પ્રાણ, મધ્યભાગ), ઓગણીસ મુખ (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ- (પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન) , અને ચાર કરણ- (મન, બુદ્ધિ, ચિત, અહંકાર) છે, તેને ‘વૈસ્વાનર’ નામનો આત્મા કહેવાય છે, અને આત્માની આ ‘જાગ્રત અવસ્થા’ કહેવાય છે. જે “મ” અક્ષરમાં રહેલ છે.”
“જેને ‘અંદરનું જ્ઞાન’ છે, સાત અંગ છે, ઓગણીસ મુખ છે, વાસનારૂપી સુક્ષ્મ વિષયોને ભોગવવાવાળો છે, તેને ‘તેજસ’ નામનો આત્મા કહેવાય છે અને આ આત્માની ‘સ્વપ્ન અવસ્થા’ છે. જે “ઉ” અક્ષરમાં રહેલ છે.”
“ગાઢ નિંદ્રામાં રહેનારા, એકરૂપ બનેલા માનસિક જ્ઞાન (પ્રજ્ઞાન) વાળા, આનંદમય આત્મા એ ‘પ્રાજ્ઞ’ નામનો આત્મા કહેવાય છે, જે આત્માની ‘સુષુપ્ત અવસ્થા’ કહેવાય છે. જે “અ” અક્ષર માં રહેલ છે”
“જે આત્માને અંદરનું જ્ઞાન નથી, બહારનું જ્ઞાન નથી, પ્રજ્ઞાન પણ નથી, જ્ઞાનયુક્ત નથી તેમજ જ્ઞાનરહિત પણ નથી. જે અદ્રશ્ય છે. વાણીથી સમજાવી નહિ શકાય તેવું છે. મનથી ગ્રહણ નહિ કરી શકાય તેવું છે. નિશાનીથી પણ સમજાવી નહિ શકાય તેવું છે. ચિંતવી નહિ શકાય તેવું છે. બતાવી નહિ શકાય તેવું છે. જે એક આત્માનુભવ ના સારરૂપ છે. જેમાં સંસારરૂપી પ્રપંચ શમી જાય છે. જે શાંત, કલ્યાણસ્વરૂપ અને દ્વૈત વિનાનું છે. તે આત્માની તુરીય (અથવા સમાધિ) અવસ્થા છે.” જે માત્રા નું સ્થાન છે.
આ બધા થી ઉપર બિન્દુ માં રહેલ પરમાત્મા ને તુરીયાતીત કહેવાય છે.
આવતા લેખમાં વધુ સમજુતિ સાથે મળીએ ત્યા સુધી….
!!! ૐ તત્સત !!!
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.