- સુરતના રાકેશ સૈનીએ માત્ર દાંતના બળે ૧૦૦ મીટર સુધી ૮ કાર ખેંચી સર્જ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સુરત: 26 મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના-મગદલ્લા રોડ પર વીઆર મોલ સામે આવેલા વાય જંક્શન ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે અનોખા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી પોતાના શોખ, જુસ્સા, કામ અને સારી આદતોને જીવનનો સાચો નશો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે. તેમણે ઉપસ્થિત લોકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવી યુથ નેશનના અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હતા. તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળે એકસાથે આઠ કારને અંદાજે ૧૦૦ મીટર સુધી ખેંચીને હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. યુથ નેશનના જણાવ્યા મુજબ અગાઉ દાંતથી પાંચ કાર ખેંચવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે, જ્યારે રાકેશ સૈનીના આ પ્રદર્શન બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવા વિશ્વવિક્રમ માટે દાવો કરવામાં આવશે. આ સાથે જ સ્થળ પર મ્યુઝિકલ બેન્ડ અને ગજાનન ગ્રુપ દ્વારા ઝુંબાની પણ પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વે યુથ નેશન દ્વારા તેના એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાશ હકીમ, મિલન પારેખ, ડૉ. ફારુક પટેલ અને સંજય સુરાણાની ઓફિસોમાં કોર્પોરેટ ટીમ સાથે મળીને નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી હતી. જન્મદિવસને સેવા અને જનજાગૃતિ સાથે જોડીને તેમણે યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્તિના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.


