મહાન ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી તા. ૨૨ ડિસેમ્બર ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવેલી છે. સમગ્ર ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણિત વિષય પ્રત્યે લોકોની અભિરુચિ વધે તે હેતુથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભુજીયા ડુંગરની તળેટીમાં ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડી.એસ.ટી.)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા નિર્મિત રિજનલ સાયન્સ સેન્ટર – ભુજમાં ગણિત વિષયને રજૂ કરતી વિશ્વની સૌપ્રથમ એવી ફિલ્ડ્સ મેડલ ગેલેરી આવેલી છે. જેમાં ગણિત વિષયમાં વિશેષ યોગદાન આપનાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગણિતજ્ઞ દ્વારા કરવામાં આવેલા કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ગણિત દિવસના ઉપલક્ષમાં સાયન્સ સેન્ટર – ભુજ દ્વારા ગણિત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છના તમામ ૧૦ તાલુકા અને ગુજરાતના ૨૦ જિલ્લાઓની ૫૩ જેટલી શાળાઓના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભાગ લેનાર વિદ્યાર્થીઓને રામાનુજનના બાળપણના સંસ્મરણોને રજૂ કરતી ફિલ્મ બતાવવામાં આવી હતી. શ્રીનિવાસ રામાનુજન દ્વારા રચિત મેજિક સ્ક્વેર દરેક બાળક પોતાની જન્મ તારીખ પ્રમાણે કેવી રીતે બનાવી શકે તે અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ગણિત વિષયમાં ભણાવવામાં આવતા પ્રાઈમ નંબર આધારિત રમત દ્વારા બાળકોને તેના વ્યવહારુ ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.
રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે ઉજવવામાં આવેલા રાષ્ટ્રીય ગણિત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ગણિત વિષયના નિષ્ણાંતો રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ડૉ. અશોક પરમાર, જાગૃતિબેન વકીલ, જિજ્ઞાબેન જોશી, હિરેનભાઈ શાહ, ક્રિશ્ના માવાણી દ્વારા ગણિત જેવા અઘરા લાગતા વિષયને સરળ રીતે કેમ સમજી શકાય તે અંગેના વિવિધ ગાણિતિક મોડેલ્સ, ગાણિતિક રમતો અને કોયડાઓ દ્વારા રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. બાળકોને આ વિવિધ ગાણિતિક રમતો અને કોયડાઓ ઉકેલવામાં ગમ્મત સાથે ગણિત વિષયની અવનવી રીતો શીખવા અને સમજવા મળી હતી.
ઉપરાંત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર – ભુજના પ્રવિણભાઈ મહેશ્વરી તથા તુષારભાઈ હાથી દ્વારા રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે આવેલ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ગણિત સપ્તાહ અંતર્ગત સાપસીડી જેવી ગાણિતિક રમતો રમાડવામાં આવી હતી.
ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન સાયન્સ સેન્ટર – ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટુર ગાઈડ શૈલ પાલન અને ફિલ્ડ્સ મેડલના ગેલેરી ગાઈડ અક્ષય લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટરના મેનેજર આરતી આર્ય, પ્રમોદ રાયકવાર, હિરેન રાઠોડ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
ગોપાલ મહેશ્વરી, કચ્છ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં