એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે,બીજી તરફ આણંદનાં બોરસદનાં રેલ્વે સ્ટેશનથી પસાર થતી વડોદરા કઠાણા ટ્રેન બંધ કરી દેવામાં આવતા રેલ્વે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે,અને જેનાં કારણે નંદેસરી વડોદરા રોજગારી અર્થે જતા યુવાનોને ના છુટકે ખાનગી વાહનોમાં જીવનાં જોખમે મુસાફરી કરવી પડે છે,જેથી આ ખંડેર રેલ્વે સ્ટેશનનું સમારકામ કરી વડોદરા કઠાણા વડોદરા ટ્રેનને ફરી ચાલુ કરવાની માંગ ઉઠી છે,બોરસદમાં આઝાદી પૂર્વેનું રેલ્વે સ્ટેશન કે જયાં દાયકાઓથી વડોદરા કઠાણા વડોદરા ટ્રેન દિવસમાં બે વાર દોડતી હતી જેનાં કારણે બોરસદ તેમજ આસપાસનાં ભાદરણ,રાસ સિસ્વા,કઠાણા,અને કાંઠાગાળાનાં બેરોજગાર યુવાનો રોજગારી માટે નંદેસરી વડોદરાની કંપનીઓ ફેકટરીમાં નોકરી માટે અપડાઉન કરતા હતા.પરંતુ કોરોનાં કાળમાં વડોદરા કઠાણા વડોદરા ટ્રેન બંધ કરી દેવાયા બાદ આજ દીન સુધી ટ્રેન ચાલુ કરવામાં નહી આવતા નંદેસરી વડોદરા તરફ રોજીંદી અપડાઉન કરતા યુવાનોને ના છુટકે ખાનગી વાહનોમાં જીવનાં જોખમે મુસાફરી કરવી પડે છે,અને ભાડાનો ખર્ચ પણ વધુ થાય છે,
એક સમયે બોરસદનું રેલ્વે સ્ટેશન ધમધમતું હતું, કાંઠાગાળામાં માવાનું ઉત્પાદન કરતા ઉત્પાદકો બોરસદ રેલ્વે સ્ટેશન પરથી પાર્સલ સેવા દ્વારા તૈયાર માવાનાં કરંડીયા વડોદરા અને મુંબઈ સુધી મોકલતા હતા,તેમજ વેપારીઓ પણ પોતાનો માલ સામાન પાર્સલ સેવા દ્વારા મંગાવતા હતા પરંતુ વર્ષો પૂર્વે રેલ્વે તંત્ર દ્વારા પાર્સલ સુુવિધા બંધ કરી દેવામાં આવી ત્યારબાદ ટીકીટબારી પણ બંધ કરી દેવામાં આવી અને ટ્રેન આવવાનાં સમય પહેલા ટીકીટ એજન્ટ આવી મુસાફરોને ટીકીટનુું વેચાણ કરતો હતો,પરંતુ ધીમે ધીમે બોરસદ રેલ્વે સ્ટેશનની તમામ સુવિધાઓ ધીમે ધીમે બંધ કરી દેવામાં આવી હતી અને બે વર્ષ પૂર્વે કોરોનાની આડમાં એક માત્ર વડોદરા કઠાણા વડોદરા ટ્રેન પણ બંધ કરી દેવામાં આવતા રેલ્વે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે,અહિયા પ્લેટફોર્મ પર એક સમયે મુસાફરો ફરતા હતા ત્યાં આજે ઢોરો ફરી રહ્યા છે,
અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે બીજી તરફ બોરસદનું રેલવે સ્ટેશન આજે ખંડેર બની ગયું છે, બોરસદ તાલુકાની પ્રજાને મળતી એક માત્ર વડોદરા કઠાણા વડોદરા ટ્રેનની સુવિધા પણ બે વર્ષથી છીનવી લેવામાં આવી છે, વડોદરા કઠાણા ટ્રેન બોચાસણ રેલ્વે સ્ટેશનથી પણ પસાર થતી હોઈ દર પૂનમે વડોદરા શહેર અને જિલ્લાનાં હરીભકતો સ્વામિનારાયણ મંદીરમાં દર્શન કરવા માટે આ ટ્રેનમાં આવતા હતા અને આ જ ટ્રેનમાં પરત જતા હતા અને આ ટ્રેન હરીભકતો માટે ખુબજ અનુકુળ હતી,કઠાણા,વિરસદ બોચાસણ,બોરસદ,દાવોલ,આંકલાવ,ભેટાસી વાસદ નંદેસરી બાજવા રણોલી જેવા ગામોને જોડતી વડોદરા કઠાણા ટ્રેનમાં અનેક યુવાનો ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા હતા પરંતુ આ ટ્રેન બંધ કરી દેવાતા હવે રેલ્વે સ્ટેશન ઉજ્જડ બની ગયું છે.
છેલ્લા બે વર્ષથી બંધ કરાયેલી વડોદરા કઠાણા વડોદરા ટ્રેનને પુનઃ શરૂ કરવામાં આવે તેમજ વડોદરાથી ધુવારણ થઈ ખંભાત સુધી આ ટ્રેનને નવો ટ્રેક બનાવી લંબાવવામાં આવે તેમજ વડોદરા ખંભાત વચ્ચે ડેમું ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને તેનો લાભ મળે અને તેનાં કારણે બોરસદ તાલુકાનો વિકાસ પણ ઝડપી બની શકે છે,ત્યારે બોરસદ તાલુકાની પ્રજા આ ટ્રેન શરૂ કરાવવા માટે રાજકીય આગેવાનો કયારે આગળ આવે છે,તેની રાહ જોઈ રહ્યા છે.
યુનુસ વહોરા, આણંદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં