ગુજરાત સહિત સમગ્ર દેશમાં હેલ્થ કોન્શિયસ લોકો, ડાયાબિટીસના દર્દીઓ અને ફિટનેસને લઈને સજાગ યુવાનો ચોકલેટ ખાઈ રહ્યા છે. ખાસ કરીને ‘શુગર ફ્રી’ અને ‘નો એડેડ શુગર’ના દાવા સાથે બજારમાં મળતી ચોકલેટ (Chocolate) ને લોકો સામાન્ય ચોકલેટ કરતાં વધુ સુરક્ષિત માનીને બિન્દાસ્ત ખાઈ રહ્યા છે.
શુગર ફ્રી ચોકલેટ (Chocolate) અંગે સામે આવેલા લેબ ટેસ્ટ બાદ સવાલો
પરંતુ શુગર ફ્રી ચોકલેટ (Chocolate) અંગે સામે આવેલા લેબ ટેસ્ટ અને નિષ્ણાતોના અભિપ્રાય બાદ સવાલો ઊભા થયા છે. માત્ર ખાંડ ઉમેરવામાં આવી નથી એટલે ચોકલેટ કેલરી ફ્રી બની જતી નથી અને તેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ નહીં વધે એવું માનવું યોગ્ય નથી.આ હકીકત જાણવા માટે માર્કેટમાં સૌથી વધુ વેચાતી ચાર મોટી અને નામાંકિત બ્રાન્ડ્સની શુગર ફ્રી ચોકલેટના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને અમદાવાદ મહાનગરપાલિકાની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
શુગર ફ્રી ચોકલેટ (Chocolate) ના માર્કેટમાં મોટો વધારો
જાણિતી માર્કેટ રિસર્ચ ફર્મ મોબિલીટી ફોરલાઇટના ડેટા પ્રમાણે ભારતમાં સુગર ફ્રી ચોકલેટ (Chocolate) નું માર્કેટ 2025માં 2.8 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ.23,500 કરોડનું હતું. આ માર્કેટ 2031 સુધીમાં રૂ.42 હજાર કરોડને આંબી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ આંકડા દર્શાવે છે કે શુગર ફ્રી ચોકલેટ તરફ ગ્રાહકોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.
લેબ ટેસ્ટમાં માલ્ટિટોલની હાજરી સામે આવી
શુગર ફ્રી ચોકલેટ (Chocolate) ના લેબોરેટરી ટેસ્ટિંગ અંગે લેબ ઓફિસર વિમલ શાહે જણાવ્યું હતું કે કંપનીઓ દ્વારા ચોકલેટ શુગર ફ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તેમાં ‘એડેડ શુગર’ લખવું વધુ યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું છે.પરંતુ ટેસ્ટ દરમિયાન તેમાં માલ્ટિટોલની હાજરી જોવા મળી હોવાનું જણાવાયું છે.માલ્ટિટોલના કારણે શુગર ફ્રી ચોકલેટ (Chocolate) માં ખાંડ ઉમેર્યા વગર મીઠાશ આવે છે. કહેવાતી શુગર ફ્રી ચોકલેટમાં તેના કુલ વજનના 35થી 45 ટકા જેટલો હિસ્સો માલ્ટિટોલનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એટલે કે 100 ગ્રામની એક શુગર ફ્રી ચોકલેટ ખાવામાં આવે તો તેમાં 35થી 45 ગ્રામ જેટલું માલ્ટિટોલ હોઈ શકે છે.
ખાંડ અને માલ્ટિટોલ શરીર પર કેવી અસર કરે?
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સફેદ ખાંડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે GI આશરે 65 જેટલો હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એવો આંકડો છે, જે દર્શાવે છે કે કોઈ ખોરાક શરીરમાં ગયા બાદ કેટલી ઝડપથી લોહીમાં ગ્લુકોઝ ઉમેરે છે.માલ્ટિટોલનો GI 35થી 52 વચ્ચે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે તે સાદી ખાંડ કરતાં ધીમી ગતિએ અસર કરે છે, પરંતુ શરીરમાં ગયા બાદ લોહીમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.કેલરીની વાત કરીએ તો સામાન્ય ખાંડમાં 1 ગ્રામ દીઠ 4 કેલરી હોય છે, જ્યારે માલ્ટિટોલમાં 1 ગ્રામ દીઠ આશરે 2.4 કેલરી હોવાનું જણાવાયું છે.એટલે શુગર ફ્રી ચોકલેટ કેલરી ફ્રી નથી. વજન ઘટાડવા માટે આવી ચોકલેટ (Chocolate) નું સેવન કરનારા લોકો માટે આ બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
ચોકલેટ (Chocolate) માં ફેટ અને કોકો બટરનો ઉપયોગ
માલ્ટિટોલ અથવા અન્ય શુગર આલ્કોહોલનો ઉપયોગ કરીને કંપનીઓ શુગર ફ્રી ચોકલેટ (Chocolate) નો સ્વાદ સામાન્ય ચોકલેટ જેવો જ રાખવાનો પ્રયાસ કરે છે.ચોકલેટનું ટેક્સચર જાળવવા માટે તેમાં ફેટ એટલે કે ચરબી અથવા કોકો બટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે કેટલીક શુગર ફ્રી ચોકલેટમાં કુલ કેલરી અને ફેટનું પ્રમાણ પણ નોંધપાત્ર હોઈ શકે છે.
માલ્ટિટોલથી પાચનતંત્ર પર અસરનો ખતરો
શુગર ફ્રી ચોકલેટ (Chocolate) માં ઉપયોગમાં લેવાતા માલ્ટિટોલ અને સોર્બીટોલ જેવા શુગર આલ્કોહોલને નાનું આંતરડું સંપૂર્ણપણે પચાવી શકતું નથી.તેના કારણે કેટલાક લોકોને ગેસ, આંતરડામાં તીવ્ર ચૂંક, પેટ ફૂલવું અને અચાનક ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.આ મુદ્દે ડૉક્ટરો દ્વારા પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : પેન્શન (Pension) માટે મોટી માંગ: દર મહિને ઓછામાં ઓછું ₹45,000 મળે, મૂળ પગારના 50% નહીં 67% પેન્શન હોય; 8મા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ 15 માંગણીઓ
ડૉક્ટરોએ પણ શુગર ફ્રી ચોકલેટ (Chocolate) અંગે ચેતવ્યા
અમદાવાદના MD ફિઝિશિયન ડૉક્ટર દેવાંગ શાહે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં તેઓ ડાયાબિટીસના દર્દીઓને શુગર ફ્રી ચોકલેટ ખાવાની છૂટ આપતા હતા.પરંતુ ત્યારબાદ આ પ્રોડક્ટ્સના વૈજ્ઞાનિક ડેટા અને ન્યુટ્રીશનલ વેલ્યુનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં અલગ હકીકત સામે આવી હોવાનું તેમણે જણાવ્યું.તેમણે સ્પષ્ટ કર્યું કે શુગર ફ્રી ચોકલેટ ખાવાથી બ્લડ શુગર નહીં વધે તેવી માન્યતા ભ્રામક હોઈ શકે છે.તેમણે કંપનીઓને માલ્ટિટોલના બદલે એસ્પાર્ટેમ અથવા એરિથ્રિટોલનો ઉપયોગ કરવા અથવા પેકિંગ પર મોટા અક્ષરે માલ્ટિટોલની હાજરી અંગે સ્પષ્ટ માહિતી આપવાની વિનંતી કરી છે.
ડાયાબિટીસ નિષ્ણાતની પણ ચેતવણી
અમદાવાદના ડાયાબિટીસ નિષ્ણાત ડૉક્ટર બન્સી સાબૂએ પણ શુગર ફ્રી ચોકલેટ અંગે ચેતવણી આપી છે.તેમના જણાવ્યા મુજબ, શુગર ફ્રીના નામે બજારમાં વેચાતી ચોકલેટ (Chocolate) માં માલ્ટિટોલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કેલરી તથા શુગરનું પ્રમાણ હોઈ શકે છે.આવી ચોકલેટનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો બ્લડ શુગરમાં વધારો થવાની શક્યતા રહે છે અને ડાયેરિયા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
કંપનીઓ ખોટું નથી બોલતી, પરંતુ સંપૂર્ણ માહિતી કેટલી સ્પષ્ટ?
ભારતમાં લાગુ નિયમો અનુસાર શુગર ફ્રી ચોકલેટ (Chocolate) બનાવતી કંપનીઓ ખોટું બોલીને વેપાર કરે છે એવું કહી શકાય નહીં. જોકે, ગ્રાહકોને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી કેટલી સ્પષ્ટ રીતે મળે છે તે અંગે સવાલો ઊભા થયા છે.શુગર ફ્રી ચોકલેટના પેકેટ પર તેમાં રહેલા માલ્ટિટોલ અને ફેટ અંગે ગ્રાહકોને વધુ સ્પષ્ટ માહિતી અને જરૂરી ચેતવણી આપવામાં આવે તેવી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રાહકોએ લેબલ વાંચવું જરૂરી
હાલની સ્થિતિમાં ગ્રાહકોએ પોતે સજાગ રહેવું જરૂરી છે. બજારમાં મળતી કોઈપણ શુગર ફ્રી અથવા હેલ્ધી ગણાતી ચોકલેટ માત્ર આકર્ષક પેકિંગ કે જાહેરાત જોઈને ખરીદવાને બદલે તેના પાછળ આપવામાં આવેલી માહિતી વાંચવી જોઈએ.ખાસ કરીને પ્રોડક્ટ ખરીદતી વખતે તેમાં રહેલા ઇન્ગ્રિડિયન્સ અને તેના પ્રમાણની તપાસ કરવી જરૂરી છે.થોડીક જાગૃતિ ગ્રાહકોને અને તેમના પરિવારને સંભવિત શારીરિક સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

