જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
(ભાગ – ૧)
શું તમે ધર્મ માં માનો છો ?
તમારો જવાબ જો હા હોય તો મારી દ્રષ્ટિએ તમે તેને સંપૂર્ણ સ્વીકાર્યો છે. મારો હવેનો સવાલ એ છે કે શું તમે જે માન્યું છે,જે સ્વીકાર્યું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી છે? કોઈપણ વસ્તુ ને જાણવી, તે તેને માનવા પહેલાનું પગથિયું છે.કોઇ વસ્તુને જાણીયે, સમજીએ, તો જ તેનો સ્વીકાર કરવો શક્ય છે ને? આનો અર્થ સ્પષ્ટ છે કે તમે તેને સંપૂર્ણ સમજીને સ્વીકાર્યો છે.આ રીતે જેણે ધર્મ ને માન્યો છે તેને મારા અભિનંદન . હું માનું છું કે આ અભિનંદન સ્વીકારવા દરેકે પોતાની જાતને પ્રમાણિકપણે પૂછવું પડશે. આનું કારણ એ છે કે તમે જેને ધર્મ માનો છો તે એક સંપ્રદાય છે.આ સંપ્રદાય એટલે માર્ગ, રસ્તો, પંથ કે જે તમને ધર્મનું એટલે કે તમારી અંદર બેઠેલા આત્માનું જ્ઞાન કરાવી શકે, પરમાત્માનું જ્ઞાન કરાવી શકે.
તમે માનેલા સંપ્રદાયે જો હજુ સુધી આ જ્ઞાન પ્રાપ્તિ નહિ કરાવી હોય તો સમજી લેજો કે તમે આ માર્ગમાં ક્યાંક ભૂલા પડ્યા છો. ક્યાંક અટવાયા છો. તમે ઘણી વખત વિચારો છો કે મેં જિંદગી માં કેટકેટલી પૂજા કરી? કેટલી પ્રાર્થના કરી? કેટલા વ્રત ઉપવાસ કર્યા? કેટલા દાન દક્ષિણા આપ્યા? કેટ્લા ભજન કિર્તન કર્યા? પ્રભુ તમને કેટલા અભિષેક, કેટલા શણગાર કર્યા? કેટલા લાડ લડાવ્યા? કેટલા જપ – હવન કર્યા? છતાં પણ પ્રભુ આપની કૃપા કેમ નથી? હું આટલો દુઃખી છું, સંકટ મા છુ,છતાંપણ મારી સામે પ્રભુ તું જોતો કેમ નથી
જો તમારી આવી લાગણી હોય તો આનું કારણ સ્પષ્ટ છે કે તમે, તમારા માનેલા પંથમાં ક્યાંક અટવાયા છો. પરમાત્માને સમજ્યા વગર માત્ર ભૌતિક કાર્ય પ્રણાલીને પ્રાધાન્ય આપ્યું છે. પરમાત્મા સાથે ક્યારેય આત્મીયતા કેળવી નથી. માત્ર દેખાદેખી થી સેવા પૂજા કરી છે દેખાદેખી થી ધાર્મિક કાર્યો કર્યા છે.
વાતમાં તથ્ય લાગતું હોય તો ચાલો આપણે આપણા ધર્મની, આપણી અંદર જ ખોજ કરીએ. આપણા આત્મા ને ઓળખીએ. આપણે જે મૂળ તત્વથી છુટા પડ્યા છે તે પરમાત્મા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી ભૂલ્યા ત્યાંથી ફરી ગણિયે. અને આ ખોજ માટે જ સૌ પ્રથમ એકાક્ષર મંત્ર ૐ નેસમજીએ.
ખુબ સાદા અર્થમાં આપણે સૌ ૐ ને એક અક્ષર તરીકે ઓળખીયે છીએ, કે જે ત્રણ અક્ષરોનું સંયોજન છે. અ +ઉ +મ .પરંતુ આપણી પાસે ૐ અક્ષ્રર વિશેની જે મહત્વની જાણકારી છે તે નથી. પહેલા આપણે ૐ અક્ષ્રર વિશે , આપણને ઉપયોગી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીએ. વેદો, ઉપનિષદો, ગીતા વગેરેના પ્રમાણોને સમજીએ. “ૐ અક્ષર હું જ છું” એવું શ્રી કૃષ્ણ ભગવાને ગીતા (9.17) માં કહ્યું છે, તેને સમજીએ. ઐતરેય ઉપનિષદ (પ્રથમ અધ્યાય, ત્રીજો ખંડ , શ્લોક 16-17) માં “ૐકાર વડે આત્મા ને જોઈ શકાય છે” તેવું લખ્યું છે તે વાત અનુભવીએ. વળી કઠોપનિષદ (પહેલો અધ્યાય, બીજી વલ્લી, શ્લોક 15) મુજબ “આ ૐ અક્ષરજ પરમ તત્વ છે. આ ૐ અક્ષરને જાણી ને જે ઈચ્છા કરવામાં આવે છે તે મળે છે”
તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણી આ ધાર્મિક સંવાદરુપ યાત્રા દરમ્યાન શાસ્ત્રોના પ્રમાણો, આધ્યાત્મિક તથ્યો, વૈજ્ઞાનિક સ્વીકૃતિ, ગણિતીય સાબિતી વગેરે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જ્યાં અટવાયા છીએ ત્યાંથી બહાર નીકળી ૐ અક્ષરના ઉપયોગ વડે પરમાત્માની ઝાંખી મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રાર્થના કરીશું અને આપણી કોઈપણ સાત્વિક ઇચ્છા તે પછી ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય તેની પૂર્તિ માટે પ્રયત્ન કરીશું.
!!!!ૐ તત્સત !!!!.
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnews.in” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnews.in” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.