H-1B વિઝા ફી મુદ્દે અમેરિકાની ફેડરલ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં લાખો ભારતીય પ્રોફેશનલ્સને રાહત મળી છે. કોર્ટે ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝા પર લાદવામાં આવેલી 1 લાખ ડોલર (અંદાજે 95 લાખ રૂપિયા)ની વધારાની ફી રદ કરી દીધી છે. બોસ્ટન ફેડરલ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે આ ફી હકીકતમાં ટેક્સ સમાન છે અને તેને લાગુ કરવા માટે માત્ર રાષ્ટ્રપતિ નહીં પરંતુ અમેરિકી કોંગ્રેસની મંજૂરી જરૂરી છે.
શું હતી H-1B વિઝા ફી નીતિ?
H-1B વિઝા ફી અંગે ટ્રમ્પ પ્રશાસને સપ્ટેમ્બર 2025માં જાહેરાત કરી હતી કે વિદેશી કર્મચારીઓને નોકરી આપતી અમેરિકી કંપનીઓએ દરેક H-1B વિઝા માટે વધારાના 1 લાખ ડોલર ચૂકવવાના રહેશે. આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ ભારતીય IT અને ટેક પ્રોફેશનલ્સ પર પડવાનો હતો, કારણ કે H-1B વિઝાનો સૌથી મોટો લાભ ભારતીયો જ લે છે.
કોર્ટનો નિર્ણય કેમ મહત્વનો?
કોર્ટના જણાવ્યા અનુસાર H-1B વિઝા પર વસૂલવામાં આવતી આ રકમ સામાન્ય ફી નહીં પરંતુ ટેક્સ સમાન હતી. અમેરિકી બંધારણ મુજબ નવા ટેક્સ લાદવાનો અધિકાર કોંગ્રેસ પાસે છે. રાષ્ટ્રપતિ માત્ર એકતરફી રીતે આવો ટેક્સ લાદી શકતા નથી. આ કારણે કોર્ટે ટ્રમ્પ સરકારની નીતિને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધી.
ભારતીયો માટે કેમ છે મોટી રાહત?
H-1B વિઝા ફી વધારાના કારણે ભારતીય IT કંપનીઓ અને અમેરિકામાં નોકરી મેળવવા ઇચ્છતા હજારો ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા. વિઝાની વધારાની કિંમતને કારણે ઘણી કંપનીઓ વિદેશી કર્મચારીઓની ભરતી ટાળી રહી હતી. હવે કોર્ટના નિર્ણય બાદ ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો રસ્તો ફરી સરળ બની શકે છે.
ટ્રમ્પ સરકારની દલીલ શું હતી?
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું હતું કે એચ-૧બી સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારના મતે કેટલીક કંપનીઓ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ ઓછા પગારે વિદેશી કર્મચારીઓને રાખી રહી હતી. આથી વધારાની H-1B વિઝા ફી દ્વારા કંપનીઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટ આ દલીલ સાથે સહમત થઈ નહોતી.
આ પણ વાંચો : Indiaની એટમી તાકાતમાં મોટો ઉછાળો, ભારતનો એટમી ભંડાર 190 પર પહોંચ્યો, પાકિસ્તાન કરતાં 20 વધુ પરમાણુ હથિયારો
ફી વધાર્યા બાદ અરજીઓમાં મોટો ઘટાડો
H-1B વિઝા ફી વધાર્યા પછી વિઝા માટેની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. USCISના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2027 માટે એચ-૧બી રજિસ્ટ્રેશન 3.44 લાખથી ઘટીને 2.11 લાખ થયું હતું. આ આશરે 38.5 ટકા ઘટાડો દર્શાવે છે. અમેરિકી સરકારે પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે ફી વધારવાના નિર્ણયથી અરજીઓમાં ઝડપથી ઘટાડો થયો હતો.
H-1B વિઝા શું છે?
H-1B અમેરિકાનો એક નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્રોગ્રામ છે. તેના માધ્યમથી અમેરિકી કંપનીઓ વિદેશી કુશળ કર્મચારીઓને નોકરી પર રાખી શકે છે. દર વર્ષે 65,000 સામાન્ય H-1B વિઝા આપવામાં આવે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો માટે વધારાના 20,000 વિઝા મંજૂર કરવામાં આવે છે. વિઝાની મુદત સામાન્ય રીતે 3 થી 6 વર્ષ સુધી હોય છે.
ભારત પર સૌથી વધુ અસર કેમ પડી?
એચ-૧બી વિઝા ફી નીતિનો સૌથી મોટો પ્રભાવ ભારત પર પડ્યો હતો. ભારતીય IT પ્રોફેશનલ્સ H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થીઓમાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે ટેક ક્ષેત્રમાં ચાલી રહેલી છટણી વચ્ચે નવા નિયમોએ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી હતી. ઘણા ભારતીય કર્મચારીઓ નોકરી ગુમાવ્યા બાદ 60 દિવસની અંદર નવી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યા અને તેમને ભારત પરત ફરવું પડ્યું હતું.
જયશંકરે પણ ઉઠાવ્યો હતો મુદ્દો
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મે મહિનામાં આ મુદ્દો અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સમક્ષ ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે થયેલી ચર્ચામાં ઇમિગ્રેશન નીતિ અને ભારતીય પ્રોફેશનલ્સ સામે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આગળ શું થશે?
કોર્ટના ચુકાદા બાદ પણ ટ્રમ્પ પ્રશાસન પાસે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. તેથી એચ-૧બી વિઝા ફી મામલો હજુ આગળ વધી શકે છે. જોકે હાલના નિર્ણયને ભારતીયો માટે મોટી જીત અને રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
