RAM MANDIR :હાલ ભારત તેમજ વિશ્વમાં ખૂણેખૂણે અયોધ્યાની ચર્ચા થઇ રહી છે. અયોધ્યામાં રામ પધારી ચુક્યા છે. પ્રભુ શ્રી રામજી(RAM MANDIR)ની પ્રાણ પ્રતિષ્ઠા સંપ્પન થઇ ચુકી છે. ત્યારે પ્રભુ શ્રીરામજીની મૂર્તિમાં ભક્તોને શ્રી હરી વિષ્ણુજીના અવતારની દસ ઝલક જોવા મળશે. દરેક અવતારનું વિશેષ મહત્વ છે. જેનો ઉલ્લેખ પુરાણો અને ગ્રંથોમાં કરવામાં આવ્યો છે.
ભગવાન વિષ્ણુ ના ૧૦ અવતારો
૧) મત્સ્ય અવતાર :- શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના પ્રલયથી બચવા માટે ભગવાન વિષ્ણુએ પ્રથમ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. પ્રભુએ માછલીના રૂપમાં અવતાર લઇને એક ઋષિને બધા જ પ્રકારના જીવોને એકત્રિત કરવા માટે જણાવ્યું હતું. અને જયારે પૃથ્વી જળમાં ડૂબી રહી હતી ત્યારે ભગવાને મત્સ્ય અવતારમાં તે ઋષિની નાવની રક્ષા કરી હતી. તે સમયે પ્રભુએ હયગ્રીવ નામના રાક્ષસનો વધ કર્યો હતો.
૨) કૂર્મ અવતાર :- જયારે જયારે પૃથ્વી પર અધર્મ વ્યાપે છે, ત્યારે પ્રભુ નારાયણ સ્વયં અવતાર લઇ રાક્ષસો અને અધર્મનો નાશ કરે છે. દેવ દાનવોએ મંદરાચલને સમુદ્રમાં નાંખી મંથન કરવાનું શરુ કર્યું પરંતુ પહાડનો આધાર નહી હોવાને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યો. આ જોઈ પ્રભુ વિષ્ણુએ કૂર્મ (કાચબો) નો અવતાર ધારણ કરી સમુદ્રમાં મંદારચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી લીધો હતો. જેનાથી પર્વત અતિ વેગથી ફરવા લાગ્યો અને સમુદ્ર મંથન પૂર્ણ થયું
૩) વરાહ અવતાર :- પ્રભુનો ત્રીજો અવતાર વરાહ અવતાર હતો. જેમાં પ્રભુનું મુખ ડુક્કર જેવું અને શરીર માણસ જેવું હતું.હિંદુ પુરાણો અનુસાર જયારે હિરણ્યકશિપુએ પૃથ્વી પર આતંક મચાવ્યો હતો ત્યારે પૃથ્વી પાણીમાં સરકી ગઈ હતી. પૃથ્વીના બચાવવા માટે પ્રભુએ રાક્ષસનો વધ કર્યો બાદમાં પોતાના દાંતથી પૃથ્વીને બચાવી હતી. બાદમાં બ્રહ્માંડમાં સ્થાપિત કરી હતી.
૪) નૃસિંહ અવતાર :- નૃસિંહ અવતાર પ્રભુનો ચોથો અવતાર હતો. નૃસિંહ અવતારમાં ભગવાન શ્રી હરી વિષ્ણુજીએ અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદની રક્ષા માટે પ્રભુને નૃસિંહ અવતાર લેવાની ફરજ પડી હતી. બાદમાં વિષ્ણુજીએ હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો.
૫) વામન અવતાર :- પાંચમાં અવતારના રૂપમાં વિષ્ણુજી વામન દેવ બન્યા હતા. રાજા બલીના દંભનો નાશ કરવા પ્રભુએ વામન સ્વરૂપ ધારણ કર્યું હતું. ઇન્દ્રદેવની રક્ષા માટે પ્રભુએ બટુક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઇન્દ્રદેવનું સિંહાસન બચાવવા માટે બટુકે મહારાજ બલી પાસેથી ત્રણ પગલા જમીન દાનમાં માંગી હતી. બે પગમાં આકાશ અને ધરતી માપી લીધી હતી. જયારે ત્રીજા પગલા માટે જગ્યા બાકી ન રહેતા બલીએ પોતાનું માથું આગળ કરી દીધું હતું.બાદમાં પ્રભુ વિષ્ણુજીએ તેમનો પગ રાજા બલીના માથે મૂકી દેતા રાજા બલી પાતાળલોકમાં સમાય ગયા હતા.
૬) પરશુરામ અવતાર :- શ્રી હરીનો છઠ્ઠો અવતાર પરશુરામનો હતો. આ અવતાર દરમ્યાન પ્રભુએ હયવંશી ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. સાથે સાથે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. પ્રભુના આ અવતારને ચિરંજીવી અવતાર માનવામાં આવે છે.
૭) શ્રીરામ અવતાર :- ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તિથી પર શ્રી રામના રૂપમાં વિષ્ણુજીએ સાતમો અવતાર લીધો હતો. ધર્મ અને મર્યાદાની સ્થાપના માટે પ્રભુએ શ્રીરામનું રૂપ લીધું હતું. વર્તમાન સમયમાં અયોધ્યામાં બાલ સ્વરૂપમાં પ્રભુને સ્થાપિત કરવામાં આવ્યા હોય જેઓની કૃપા દ્રષ્ટિ કળિયુગમાં ભકતોજનો પર બની રહે.
૮) શ્રીકૃષ્ણ અવતાર :- કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે. જે હંમેશા હાથમાં વાંસળી રાખીને ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. આ અવતારમાં પ્રભુએ મામા કંસ અને અન્ય સાથી રાક્ષસોનો વધ કર્યો હતો. તેમજ દુર્યોધનની સાથે આખા કૌરવ વંશનો નાશ કર્યો હતો. અને પાંડવોની મદદ કરી ધર્મની સ્થાપના કરી હતી.
૯) બુદ્ધ અવતાર :- વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતી તરીકે ઉજવાઈ છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના જ અવતાર હતા. એક વખત પીપળાના વ્રુક્ષ નીચે તેઓ બેઠા હતા. અને અચાનક એક દેવી પ્રકાશ થયો. જ્ઞાનનો ઉદય થયો. આ વ્રુક્ષ આજે પણ બુદ્ધવ્રુક્ષ તરીકે ઓળખાય છે. બોધિવ્રુક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતી પામ્યા.
૧૦) કલ્કિ અવતાર :- ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતારને કલ્કિ અવતાર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર કલિયુગમાં પાપ અને અત્યાચાર હદને પાર કરી જશે તેના સંહાર માટે પ્રભુ કલ્કિ અવતારમાં પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે. જે પ્રભુનો છેલ્લો અવતાર હશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં