અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્ય ખરા અર્થમાં તળાજાના ગોરખીનાં ડો. ગણેશ બારૈયાએ સાર્થક કરી બતાવ્યું છે. ડોકટર બનવા સુધી અનેક સંઘર્ષો કરવા પડ્યાં હતાં. આજે વિશ્વમાં ડો. ગણેશ બારૈયાની નોંધ લેવાઇ રહી છે.
ભાવનગર: એક ડોકટર બનાવવા શું કરવું પડે? 12 સાયન્સમાં સારા ટકા, NEETની પરીક્ષા પાસ કરવી પડે, મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો પડે વગેરે પ્રક્રિયા કરવી પડે છે. આ વાત બધા જાણે છે. પરતું તમે એવું સાંભળ્યું છે કે, ડોકટર બનાવા માટે સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખખડાવવા પડે? હા, તો જાણો તળાજા તાલુકાના ગોરખીનાં ડો. ગણેશ બારૈયાએ ડોકટર બનવા માટે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યાં હતાં. આજે ગણેશ ડોકટર બની ગયા છે. એટલું નહીં વિશ્વની સૌથી નાની ઊંચાઇના ડોકટરના બન્યાં છે.
આવો તેના સંઘર્ષ વિશે જાણીએ.ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડો.ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિશ્વના સૌથી ટૂંકા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરીને 23 વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ કર્યા બાદ ગણેશે હવે ઈન્ટર્નશિપ શરૂ કરી છે. ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડો.ગણેશની ઇન્ટર્નશિપ બે દિવસ પહેલાં જ શરૂ થઇ છે.
ડો.ગણેશની ઇન્ટર્નશિપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પૂર્ણ થશે.એમ.બી.બી.એસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નશીપ કરી રહેલા ડો.ગણેશે જણાવ્યું હતું કે4 ઈન્ટર્નશિપ બાદ NEET PG 2025ની પરીક્ષા આપ્યા બાદ તેણે મેડિસિન, પેડિયાટ્રીક્સ, ડર્મેટોલોજી કે સાયકિયાટ્રીના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવો છે.
ડોક્ટર બનવાની આ સફરમાં મને શાળાના ડાયરેક્ટર, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ મળી રહ્યો છે. જ્યારે MCIએ MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તે શાળા સંચાલકોએ જ મને હાઇકોર્ટથી સુપ્રિમ કોર્ટમાં જવા માટે ટેકો આપ્યો હતો. ત્રણ ફૂટની ઊંચાઈના કારણે MCIએ MBBSમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો.
ડો.ગણેશ બરૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેના સંઘર્ષની વાત કરીએ તો, ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં 12મા સાયન્સ સાથે NEETમાં સફળ થયો હતો. પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે MCI દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને MCIના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી હતી.
ડોક્ટર ગણેશ કહે છે કે, અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા હતાં. ત્યારપછી અમે સુપ્રિમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. તારીખ 23/10/2018ના રોજ અમને સુપ્રિમ કોર્ટે રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઊંચાઈ ઓછી હોવા છતાં તમે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકો છો.
સુપ્રિમના આદેશથી મેં ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. તારીખ 1/08/2019થી મારા પ્રવેશ પછી MBBS નો અભ્યાસ શરૂ થયો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ઓછી ઉંચાઈને કારણે જો કોઈ સમસ્યા હતી, તો પહેલા શાળામાંથી પછી કોલેજ અને મિત્રો તરફથી મદદ મળી હતી. ગણેશ કહે છે કે, ટૂંકી ઉંચાઈને કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે.
શાળા સમય દરમિયાન મને જે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સંચાલકોએ મારા માટે અલગથી સગવડો પૂરી પાડી હતી. જ્યારે મેડિકલ પ્રેક્ટિસની પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યાઓ આવી ત્યારે તેમાં પણ મને કોલેજના ડીનનો સહયોગ મળ્યો હતો. જ્યારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે.
ત્યારે મને વિશેષ સહયોગ મળે છે. ગણેશ કહે છે કે, જ્યારે જરૂર પડે છે ત્યારે તેને તેના કોલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે. મિત્રો હંમેશા મને પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે.વધુમાં તમને જણાવી દઈએ કે ડો.ગણેશ વિશ્વના સૌથી નાની ઉંચાઈ ધરાવતા ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
ગત સપ્ટેમ્બર માસમાં તાઈવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડો.ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ગણેશનું સન્માન કરવામાં આવે છે.પરીવારની વાત કરીએ તો માતા-પિતા ખેડૂત, સાત બહેનો અને એક ભાઈ સાથેના પરિવારમાં જન્મેલા, કાકાના અન્ય પાંચ પુત્રો છે. ડોક્ટર ગણેશ કહે છે
કે, તેણે પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. 12 સાયન્સનો અભ્યાસ કરતી વખતે મને મારી શાળાના સંચાલકોનો ઘણો સહયોગ મળ્યો. ત્યારે મને કહેવામાં આવ્યું કે4 તું સખત મહેનત કર અને જો તું આટલી નાની ઉંચાઈ સાથે ડોક્ટર બનીશ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે.
આનાથી મને સખત મહેનત કરવાની પ્રેરણા મળી હતી.તમને જણાવી દઈએ કે ડોક્ટર ગણેશ જે હંમેશા હસતા ચહેરા સાથે લોકોને મળે છે. તેમના પરિવારમાં માતા-પિતા, સાત મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. પિતા ખેતીકામ કરે છે. ગણેશની સાતેય બહેનો પરિણીત છે.
નાનો ભાઈ B.Ed નો અભ્યાસ કરે છે. ગણેશ ઉપરાંત તેના જુદા જુદા કાકાઓના કુલ પાંચ પુત્રો પણ ડોક્ટર છે. ગણેશ બારૈયા સાથે મેડિસિન પ્રેક્ટિસ કરતા તેના મિત્રો કહે છે કે, જ્યારે અમે ત્રણ ફૂટ ઊંચા અમારા મિત્ર ગણેશને કોલેજમાં પહેલીવાર જોયો ત્યારે અમને એક જ પ્રશ્ન હતો કે,
તે મેડિકલનો અભ્યાસ કેવી રીતે કરી શકશે. અમને લાગ્યું કે ભણવું તો ઠીક પણ આટલી ઊંચાઈથી તે દવામાં જરૂરી તમામ કામ કેવી રીતે કરશે. જોકે સમય જતાં તે સફળ થયો છે. તેમના કામ ઉપરાંત, તે અમારા કામમાં પણ અમને મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી