ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં શરુ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડી આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪”ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદરની અધ્યક્ષતામાં VGGS-2024ના લાયઝન ઓફિસરોનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો.
આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરોને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ VGGS-2024 વિશે માહિતગાર કર્યા હતા તેમજ એક આદર્શ લાયઝન ઓફિસર કેવો હોય તેના વિશે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. VGGSમાં આવતા ડેલીગેટ્સ ગુજરાતના માનવંતા મહેમાનો છે. તેઓ આ ત્રણ દિવસમાં ‘અતિથી દેવો ભવ:’ની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા સૌને અનુરોધ કર્યો હતો.
VGGSની અકોમોડેશન, ટ્રાન્સપોર્ટ અને પ્રોટોકોલ કમિટીના હેડ તેમજ ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લા દ્વારા પ્રેઝેન્ટેશન મારફત લાયઝન ઓફીસરોને ડેલીગેટ્સના રહેવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને પ્રોટોકોલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. VGGS વેન્યુ કમિટીના હેડ દ્વારા મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના વેન્યુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહિ, લાયઝન ઓફિસરોને પાર્કિંગ એરિયા અને ટ્રાન્સપોર્ટેશન રૂટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
વધુમાં, ડેલીગેટ્સ સરળતાથી ઈમિગ્રેશન પૂરું કરી શકે, સરળતાથી વાહન મળી રહે તે માટે એરપોર્ટ કમિટીના હેડ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા પણ લાયઝન ઓફિસરોને આયોજનની વિગતો આપવામાં આવી હતી. VGGSની આ સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી લાયઝન ઓફિસરો સરળતાથી મેળવી શકે તે માટે એક મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનનો પણ લાયઝન ઓફિસરોને ડેમો આપવામાં આવ્યો હતો.
લાયઝન ઓફિસરોના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ શ્રી પી. સ્વરૂપ, ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી રાજેશ માન્ઝુ, ટેકનીકલ શિક્ષણ કમિશનર શ્રી બંછાનિધી પાની સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં