- સુગર ફેકટરીમાં 20% ખાંડ કંતાનની થેલીઓમાં ભરવાના આદેશથી રોષ
- કંતાનની થેલીઓ મુદ્દે કેન્દ્ર સરકારના આદેશથી ખેડૂતોમાં ભભૂકતો રોષ
સુગર ફેકટરીમાં બનતી ખાંડની 20 ટકા ગુણ કંતાનના કોથળા વાપરવા કેન્દ્ર સરકારના આદેશથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ દેશની તમામ સુગર ફેક્ટરીઓએ પોતાના ખાંડના ઉત્પાદનની 20% ખાંડ ફરજીયાત કંતાનની થેલીઓમાં ભરવાની રહેશે, નહીંતર જે તે સુગર ફેક્ટરીની ખાંડ વેચાણનો કવોટો અટકાવી દેવામાં આવશે સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે જે પ્લાસ્ટિકની થેલીમાં ખાંડ ભરવામાં આવે છે એની 50 કિલો ખાંડની થેલીનો ભાવ 19 રૂપિયાની આજુબાજુ ચાલે છે જયારે કંતાનની 50 કિલોની એક થેલીનો ભાવ 60 થી 65 રૂપિયા છે. આમ એક કવીન્ટલ ખાંડ ભરવા માટેની થેલીઓનો ખર્ચ 80 થી 90 રૂપિયા વધારે થશે. અને જો ઉત્પાદનના 20 % ખાંડ કંતાનની થેલીઓમાં ભરવા માટે ફરજ પાડવામાં આવશે તો બધી ફેક્ટરીઓને કરોડો રૂપિયાનું ભારણ વધશે. એનો અર્થ એ થશે કે ખેડૂતોની એક ટન શેરડી દીઠ 15 થી 20 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ આવવાથી 15 થી 20 રૂપિયા ભાવ ઓછો પડશે. હાલના વર્ષોમાં જયારે શેરડીનું એકર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે અને જયારે આ વર્ષે રિકવરી પણ ઓછી છે ત્યારે આ વધારાનો ખર્ચ ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન છે. કંતાન ઉદ્યોગને સાચવવા માટે સરકાર શેરડીના ખેડૂતોને નુકશાન કરીને આ પ્રકારનો નિર્ણય લે એ ખુબજ દુઃખદ બાબત છે. સુરત જિલ્લા ખેડૂત સમાજ માંગ કરે છે કે જો આ પ્રકારે કંતાનની થેલીઓમાં ખાંડ ભરવાનું ફરજીયાત કરવામાં આવે તો શેરડી પકવતા ખેડૂતોને આ વધારાના ખર્ચનું વળતર આપવામાં આવે તેમજ ખાંડની MSP પણ 4000 રૂપિયા કરવામાં આવે.
રમેશ ખંભાતી,પલસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં