• કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં 300 MTPA ફૂટ સ્ટીલ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યને ટેકો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી
• આ વિશાળ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ પર કાર્ય શરૂ કરવા માટે ટૂક સમયમાં કંપનીને જમીનનો કબજો મળી જવાની આશા છે
મુંબઈ/ અમરાવતી (આંધ્રપ્રદેશ), 28 માર્ચ 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) એ આજે રાજાયપેટામાં એક અત્યાધુનિક, સ્ટેટ ઑફ ધી આર્ટ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની તેની યોજના અંતર્ગત, આંધ્રપ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં જમીન સંપાદનની શરૂઆતની જાહેરાત કરી છે. જમીન સંપાદન માટે કંપની દ્વારા પ્રારંભિક ચુકવણી કરવામાં આવી છે અને ટૂક સમયમાં જ આવશ્યક જમીનનો કબજો મળવાની આશા છે. જેનાથી કંપનીને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે.
7.3 MTPA ની પ્રસ્તાવિત પ્રારંભિક ક્ષમતા સાથે, કંપનીનો આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં 300 MTPA ફૂટ સ્ટીલ ક્ષમતા સુધી પહોંચવાના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે. આની સાથે જ તે ‘આત્મનિર્ભર ભારત’ પહેલને અનુરૂપ, સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાની AM/NS ઇન્ડિયાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
આંધ્રપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, “અમે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા નું આંધ્રપ્રદેશમાં સ્વાગત કરીએ છીએ અને તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આ મેગા સ્ટીલ પ્લાન્ટ માત્ર રોજગારીની ઉલ્લેખનીય તકો જ નહીં, પણ સમુદાયો અને લોકો માટે સામાજિક-આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. વળી, આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશને એક અગ્રણી ઔદ્યોગિક હબમાં પરિવર્તિત કરવાના અમારા વિઝન સાથે પણ સુસંગત છે.”
આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે “આંધ્રપ્રદેશમાં આ રોકાણ ભારતીય સ્ટીલ નિર્માણ ક્ષેત્રમાં અમારી હાજરીને વધુ વિસ્તૃત બનાવે છે અને અમને “વિકસિત ભારત” વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે. આ ખરેખર, AM/NS ઇન્ડિયા અને આંધ્રપ્રદેશ માટે ખુબ જ ગર્વની ક્ષણ છે. એકબીજાના સહકાર સાથે, આપણે વૈશ્વિક ઉત્પાદનમાં એક અગ્રણી શક્તિ તરીકે ભારતની વધતી પ્રતિષ્ઠામાં અર્થપૂર્ણ ઉમેરો કરવાની આશા રાખીએ છીએ.”
AM/NS ઇન્ડિયાના ચેરમેન અને આર્સેલરમિત્તલના CEO શ્રી આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે, “આજનું અમારું આ રોકાણ આંધ્રપ્રદેશમાં વિશ્વ સ્તરીય સ્ટીલ પ્લાન્ટ બનાવવાની વિશાળ યોજના તરફ પ્રથમ પગલું છે. જે વાસ્તવમાં, ભારતના લાંબાગાળાની સ્ટીલ ઉત્પાદન મહત્વાકાંક્ષાઓમાં અમારા યોગદાન ને મજબૂતી આપે છે. અમે આંધ્રપ્રદેશ સરકારના દ્રઢ નેતૃત્વ અને આ પ્રોજેક્ટ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા બદલ આભાર માનીએ છીએ. આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયો, રાજ્ય અને ભારત માટે રોજગારીનું સર્જન કરશે. આ ઉપરાંત તે આર્થિક અને સામાજિક વિકાસ ને વેગ આપવામાં સહાયભૂત થશે.”
આંધ્રપ્રદેશમાં 20 લાખ નોકરીઓ ઉભી કરવા માટેની ટાસ્ક ફોર્સના અધ્યક્ષ અને માનનીય આઇટી અને માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી નારા લોકેશે આ પ્રોજેક્ટનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમણે આંધ્રપ્રદેશમાં AM/NS ઇન્ડિયા ના પ્રવેશને સરળ બનાવવા અને વ્યવસાય કરવાની ગતિ વધારવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિ ડિરેક્ટર, વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય શ્રી તાકાહિરો મોરીએ જણાવ્યું હતું કે: “આંધ્રપ્રદેશમાં AM/NS ઇન્ડિયાનો પ્રસ્તાવિત પ્લાન્ટ દેશના વિકાસને ટેકો આપવા માટે ભારતીય સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારવાની અમારી અદમ્ય મહત્વાકાંક્ષાને દર્શાવે છે. અમે આંધ્રપ્રદેશ સરકારના સમર્થન બદલ આભારી છીએ અને આ પ્રોજેક્ટને જવાબદાર રીતે સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે અને ભારતને એક મહત્વપૂર્ણ વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉન્નત કરે છે.”
AM/NS ઇન્ડિયા દેશભરમાં વિકાસની તકોને શોધીને તેને સતત વેગ આપી રહ્યું છે. કંપની તેની હાજરી વધારી રહી છે અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતના હજીરા સ્થિત તેના ફ્લેગશિપ પ્લાન્ટમાં હાલના 9 MTPA થી 15 MTPA સુધી વિસ્તરણની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે. ઓડિશામાં, જ્યાં કંપની પહેલેથી જ ઉલ્લેખનીય હાજરી ધરાવે છે, ત્યાં એક ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર પણ કામ આગળ વધી રહ્યું છે.