- વાગરાની ખાનગી કંપની સાથે ત્રણ કરોડની ઠગાઈમાં છ પકડાયા
- જનરલ મેનેજરે અન્ય ૭ મળતિયાઓએ ઠગાઈ આચરી હતી
વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય ૭ મળતિયાઓ સાથે મળી ત્રણ કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી.જેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાંજ છ આરોપીઓને ઝડપી પાડયા હતા.જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત તેજ બનાવાઈ છે. વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલ ગ્રાસીમ કંપનીના ફાયબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાકટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગપલો કરતા હોવાનું સામે આવ્યુ હતુ. જેને પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ આઠમી જાન્યુઆરીના રોજ આરોપી અજમતુલ્લાખાન,રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર ધર્મેશ,સુપરવાઇઝર રહેમતુલ્લાખાન ,વે-બ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ,વિલાયત ગામના સરફરાઝ સૈયદ,સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ તેમજ ટેમ્પોના ટ્રાઈવર સંજયકુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યુ હતુ. જે તારીખ ૦૮/૦૧/૨૦૨૪ ના રોજ આઇસર ટેમ્પો નંબર જી.જે-૧૬- એ.યુ-૦૬૮૮ ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતા ૩૬૮૦ કિલોગ્રામ ઓછું વજન કરાવી રૂપિયા ૦૬,૫૧,૦૦૦/- ની કંપની સાથે છેતરપીંડી કરી હતી. એટલુ જ નહીં આરોપી અજમતુલ્લાખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ ૨૦૧૭ થી આજદિન સુધી છેતરપીંડી કરી અત્યાર સુધી છ વર્ષમાં આશરે ૪૫૬ ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો.જેની અંદાજીત કિંમત ૦૮,૯૨,૦૦,૦૦૦ ₹ હોવાનો આંકડો જીગ્નેશ મહેતાએ પોતાના લેપટોપમાંથી કાઢી આપ્યો હતો. ગત આઠમી જાન્યુઆરી રોજ બહાર પડેલ તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે ૦૩,૧૨,૨૦,૦૦૦ની છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યુ હતુ.આરોપીઓ આશરે દોઢ એક વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા.અને અગાઉ એસ.એ.પી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશપારીખ પુરોહિતનાઓએ વાગરા પોલીસ મથકે ૮ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે ૪૦૯,૧૨૦-બી હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી.વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ છ આરોપીઓને ગણતરીના સમયમાંજ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.જોકે હજુ પણ બે આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોઈ તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ તેજ બનાવી હતી. આ અંગે ડી.વાય.એસ.પી પી.એલ. ચૌધરીએ પત્રકારોને વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફોરન્સના માધ્યમથી માહિતી પુરી પાડી હતી.
સરફરાજ સોલંકી સાથે જીતુ રાણા, ભરૂચ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી