- કેનેડામાં ડિઝાઇનિંગ કરેલી વિશેષ ઘડિયાળ શ્રી રામને અર્પણ કરાશે
- રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે
ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુશ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 10 મી જાન્યુઆરી એ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર, હનુમાન ગઢી, શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહરાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે. આ સાથે ભગવાન શ્રી રામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે. ઘડિયાળનો કાંટો એક રીતે આપણી શ્વાસોની ગતિ, ધબકારાને પણ નિર્દેશ કરે છે. સમય બધું જ છે, સમયએ જીવનચક્ર છે, તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી 1780 ઘડિયાળો સ્થાપિત કરવામાં આવી છે. આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી આગવી અને વિશેષ બનાવવામાં આવી છે. આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિંદુઓ માટે 22 મી જાન્યુઆરીનો દિવસ ખાસ છે, ત્યારે અમે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ.
ચિરાગ પાટડિયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં