ઉંદર (Rat) પકડવા માટે ઘરો, દુકાનો, ગોડાઉન અને ઓફિસોમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા ગુંદરવાળા સ્ટિકી બોર્ડ (Glue Trap) પર ગુજરાત સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. હવે રાજ્યમાં આવા ગુંદરવાળા પૂઠાંનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાશે. સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રાણીઓ સાથે થતી ક્રૂરતા રોકવાનું છે.
એક સમય હતો જ્યારે લોકો પાંજરામાં ઉંદર (Rat) પકડીને દૂર છોડી આવતા હતા. પરંતુ સમયના અભાવે લોકો સરળ રસ્તો અપનાવવા લાગ્યા. બજારમાં મળતા ગુંદરવાળા સ્ટિકી બોર્ડ પર ઉંદર ચોંટી જાય અને કલાકો સુધી તડપીને મોતને ભેટે. હવે આ જ રીતને ગુજરાત સરકારે ગેરકાયદેસર જાહેર કરી છે.તો આખરે સરકારે આટલો મોટો નિર્ણય કેમ લીધો? કાયદામાં શું જોગવાઈ છે? અને હવે ઉંદરથી બચવા માટે શું કરવું? ચાલો વિગતે સમજીએ.
ગુજરાત સરકારે સ્ટિકી બોર્ડ પર પ્રતિબંધ કેમ મૂક્યો?
જો ફેવિક્વિકનો એક ટીપો આંગળીઓ વચ્ચે લાગી જાય તો બંને આંગળીઓ અલગ કરવામાં કેટલી મુશ્કેલી પડે છે તે દરેક વ્યક્તિએ અનુભવ્યું હશે. ગરમ પાણી, સાબુ કે અન્ય રીત અજમાવ્યા પછી પણ ચામડી ખેંચાય છે અને દુખાવો થાય છે.
એ જ સ્થિતિ ઉંદર (Rat) સાથે બને છે જ્યારે તે ગુંદરવાળા સ્ટિકી બોર્ડ પર ફસાઈ જાય છે. તેના પગ, શરીર અને રૂંવાટા ગુંદરમાં ચોંટી જાય છે. બહાર નીકળવા માટે તે સતત સંઘર્ષ કરે છે, પરંતુ છૂટી શકતો નથી. ઘણી વખત તેનું નાક પણ ગુંદરમાં ચોંટી જતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. કલાકો સુધી ભૂખ, તરસ અને પીડા સહન કર્યા પછી તેનું મોત થાય છે.સરકારનું કહેવું છે કે આ પ્રકારનું મૃત્યુ અત્યંત ક્રૂર અને અમાનવીય છે. તેથી પ્રાણી કલ્યાણના નિયમો હેઠળ આ સાધન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Animal Welfare Board of Indiaની ભલામણ બાદ નિર્ણય
ભારત સરકારે Prevention of Cruelty to Animals Act, 1960 હેઠળ Animal Welfare Board of India (AWBI) ની રચના કરી છે. આ બોર્ડ પ્રાણીઓ પર થતી ક્રૂરતા રોકવા માટે માર્ગદર્શન આપે છે.ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડે જાહેર કરેલા ઠરાવમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઉંદરને પકડવા માટે ગુંદરવાળા સ્ટિકી બોર્ડનો ઉપયોગ કરવો PCA Act 1960ની કલમ 11(1)નું સીધું ઉલ્લંઘન છે.આથી રાજ્યમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
નિયમ તોડનાર સામે શું કાર્યવાહી થશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કે વેપારી ગુંદરવાળા સ્ટિકી બોર્ડનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે.નિયમનો ભંગ કરનારને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. ઉપરાંત સંબંધિત સામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.ઘર, ઓફિસ, ગોડાઉન, દુકાન કે શોરૂમ સહિત કોઈપણ સ્થળે આવા સ્ટિકી બોર્ડનો ઉપયોગ હવે માન્ય રહેશે નહીં.
ઓનલાઈન પણ નહીં મળે ગ્લુ ટ્રેપ
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે દુકાનમાંથી નહીં મળે તો ઓનલાઈન મંગાવી લઈએ. પરંતુ સરકારનો હેતુ માત્ર બજારમાં વેચાણ રોકવાનો નથી.રાજ્યમાં ટૂંક સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ગુંદરવાળા ગ્લુ ટ્રેપ હટાવવામાં આવશે. જો પ્રતિબંધ બાદ કોઈ વ્યક્તિ આવા સાધનો મંગાવશે અથવા તેનો ઉપયોગ કરશે તો તે પણ કાયદેસર ગુનો ગણાશે.
ગુજરાત આ નિર્ણયમાં મોડું પડ્યું?
ગુજરાત સરકારે હવે આ નિર્ણય લીધો છે, પરંતુ દેશના લગભગ 30 રાજ્યોમાં ગુંદરવાળા સ્ટિકી બોર્ડ પર અગાઉથી જ પ્રતિબંધ લાગુ છે.પ્રાણી કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓ લાંબા સમયથી આ માંગ કરી રહી હતી કે ઉંદર (Mouse) ને તડપાવીને મારતી આ પદ્ધતિ બંધ થવી જોઈએ. હવે ગુજરાત સરકારે પણ તે દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.
ઉંદરને (Rat) બચાવવું કેમ જરૂરી છે? જાણો ઈકોસિસ્ટમમાં તેનું મહત્વ
ગુજરાત સરકારે ગુંદરવાળા સ્ટિકી બોર્ડ પર પ્રતિબંધ મૂક્યા બાદ ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો છે કે આખરે ઉંદર (Rat) ને બચાવવાની જરૂર શું છે? સામાન્ય રીતે લોકો ઉંદરને માત્ર નુકસાન પહોંચાડનાર જીવ તરીકે જ જુએ છે. પરંતુ પર્યાવરણના દૃષ્ટિકોણથી જોઈએ તો ઉંદર સમગ્ર ફૂડ ચેઈનનો મહત્વનો ભાગ છે.પર્યાવરણવિદોનું કહેવું છે કે કુદરતે ઉંદર (Rat) ને અનેક પક્ષીઓ અને પ્રાણીઓના ખોરાક તરીકે બનાવ્યો છે. જો ઉંદરોની સંખ્યા અચાનક ઘટી જાય તો તેના પર નિર્ભર રહેનારા અનેક જીવોના અસ્તિત્વ પર અસર પડી શકે છે.
એક વર્ષમાં બે ઉંદર (Mouse) થી હજારોનો પરિવાર
ઉંદર (Rat) ની પ્રજનન ક્ષમતા ખૂબ ઝડપી હોય છે. એક માદા ઉંદર (Rat) લગભગ એક મહિનાની ગર્ભાવસ્થા બાદ એકસાથે 12 જેટલા બચ્ચાંને જન્મ આપે છે. વર્ષ દરમિયાન તે અનેક વખત બચ્ચાં આપે છે. પરિણામે માત્ર બે ઉંદરમાંથી એક વર્ષમાં હજારોની સંખ્યા સુધી વસ્તી પહોંચી શકે છે.વર્લ્ડ એટલાસના ડેટા મુજબ વિશ્વમાં અંદાજે 800 કરોડ ઉંદર છે, જેમાંથી ભારત અને ચીનમાં મળીને લગભગ 400 કરોડ ઉંદર (Rat) હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : વડોદરા (Vadodara) માં દિવ્યાંગ ન્યૂઝના અહેવાલની અસર: MGVCLની DP મુદ્દે તંત્ર હરકતમાં, આંગણવાડી પાસે સેફ્ટી ફેન્સિંગ કરાયું
ઈકોસિસ્ટમમાં ઉંદરની મહત્વની ભૂમિકા
પર્યાવરણવિદ વિનોદ પંડ્યાના જણાવ્યા મુજબ ઉંદર (Rat) માત્ર ત્રાસ આપતો જીવ નથી, પરંતુ કુદરતી સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ કડી છે.સાપ, ઘુવડ, મોર, ચીબરી, કાગડો અને બિલાડી જેવા અનેક જીવોનો મુખ્ય ખોરાક ઉંદર છે. જો ઉંદરોની સંખ્યા ઘટી જશે તો આ પ્રાણીઓ માટે ખોરાકની અછત સર્જાશે અને સમગ્ર ફૂડ ચેઈન પર તેની સીધી અસર પડશે.તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે બાર્ન ઓવલ (રેવીદેવી ઘુવડ) નો સૌથી પ્રિય ખોરાક ઉંદર છે. તેવી જ રીતે બિલાડીને દૂધ અને ઉંદર બંને એકસાથે આપવામાં આવે તો તે પહેલાં ઉંદરને જ શિકાર બનાવે છે.
ગીરનો રસપ્રદ અનુભવ
વિનોદ પંડ્યાએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે એક વખત તેઓ ગીર વિસ્તારમાં કેમ્પિંગ માટે ગયા હતા. ત્યાં ઉંદરનો ભારે ઉપદ્રવ હતો. તંબૂ ચારે બાજુથી બંધ હોવા છતાં ઉંદર જમીન ખોદીને અંદર આવી જતા હતા.
એક ઉંદર તેમના સામાનમાંથી લસણની ચટણી લઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે લસણની ગંધ ઉંદર (Rat) ને પસંદ નથી, પરંતુ ચટણીમાં રહેલા તેલની સુગંધ તેને આકર્ષે છે. એટલું જ નહીં, પેટ્રોલની ગંધ પણ કેટલાક ઉંદરને આકર્ષે છે, જેના કારણે ઘણી વખત વાહનોના વાયર અથવા પાઈપ કાપવાના બનાવો સામે આવે છે.
કૃષિ ક્ષેત્રમાં પણ ઉંદરને મારવો અંતિમ ઉપાય નથી
એગ્રીકલ્ચર વિભાગના નિવૃત્ત રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. વી. એન. પટેલના જણાવ્યા મુજબ ખેતીમાં જીવાત નિયંત્રણ માટે થતા પેસ્ટિસાઈડના છંટકાવથી પણ ઉંદર પર અસર થાય છે.તેમણે કહ્યું કે ખેતરોમાં સાપનું અસ્તિત્વ પણ ઉંદરને કારણે જ છે. જો દરેક જગ્યાએ ઉંદરનો નાશ કરવામાં આવશે તો સાપ સહિત અન્ય જીવોની ફૂડ ચેઈન તૂટી જશે.ડૉ. પટેલે જણાવ્યું કે ખેતરોમાં ઘણી વખત ઉંદરના દરમાંથી પાંચ-પાંચ કિલો મગફળી મળી આવતી હતી. છતાં તેનો અર્થ એ નથી કે ઉંદરને સંપૂર્ણપણે મારી નાખવો જોઈએ.
નાળિયેરીના બગીચામાં સફળ પ્રયોગ
ડૉ. વી. એન. પટેલે જણાવ્યું કે સોરઠ વિસ્તારમાં નાળિયેરીના ઝાડ પર ચડીને ઉંદર (rat) નાળિયેરને નુકસાન પહોંચાડતા હતા. પરંતુ તેમને મારવાને બદલે વૈજ્ઞાનિકોએ એક અલગ ઉપાય અપનાવ્યો.નાળિયેરીના થડની આસપાસ ગોળાકાર પતરું ગોઠવવામાં આવ્યું. ગોળ અને લીસી સપાટી હોવાથી ઉંદર ઝાડ પર ચડી શકતા નહોતા અને કોઈપણ પ્રાણીની હત્યા કર્યા વગર સમસ્યાનો ઉકેલ આવી ગયો.આ પ્રયોગ દર્શાવે છે કે ઉંદરને માર્યા વગર પણ અસરકારક નિયંત્રણ શક્ય છે.
ઉંદર (Rat) ને ભગાડવાના સરળ અને સુરક્ષિત ઉપાયો
સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે ઉંદરને મારવાને બદલે તેને દૂર રાખવાના વિકલ્પો અપનાવવા જોઈએ.
1. ફુદીનાનું તેલ
ફુદીનાની તીવ્ર ગંધ ઉંદરને પસંદ નથી. રૂમાં ફુદીનાનું તેલ લગાવીને દરવાજા, બારીઓ અથવા ખૂણામાં રાખવાથી ઉંદર દૂર રહે છે.
2. લસણ
લસણની કળીઓ કાપીને ઉંદર આવતાં-જતાં હોય તેવી જગ્યાએ રાખવાથી તે દૂર રહે છે.
3. લાલ મરચાંનો સ્પ્રે
લાલ મરચાંને પાણીમાં ભેળવી સ્પ્રે બનાવી દીવાલના ખૂણા, ફર્નિચરની નીચે અથવા બેઝમેન્ટમાં છાંટવાથી ઉંદર ત્યાં આવવાનું ટાળે છે.
4. ઈંડાની છાલ
સૂકવેલી ઈંડાની છાલનો પાવડર બનાવી ઉંદરના રસ્તા પર છાંટવાથી તેની ગંધના કારણે તે દૂર રહે છે.
5. કોફી પાવડર
વપરાયેલો કોફી પાવડર ઉંદર આવતા માર્ગ પર છાંટવાથી ઘરમાં સુગંધ પણ રહે છે અને ઉંદર પણ દૂર રહે છે.
ઉંદરને મારવાને બદલે ભગાડવાનો સંદેશ
ગુજરાત સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉંદર (Rat) ને બચાવવાનો નહીં, પરંતુ તેને અનાવશ્યક પીડા અને ક્રૂર મૃત્યુથી બચાવવાનો છે. પ્રાણી કલ્યાણના નિયમો અનુસાર હવે ગુંદરવાળા સ્ટિકી બોર્ડનો ઉપયોગ કાયદેસર ગુનો છે. તેથી ઘર, દુકાન કે ગોડાઉનમાં ઉંદરનો ઉપદ્રવ હોય તો કુદરતને નુકસાન પહોંચાડ્યા વગર અને કાયદાનું પાલન કરીને વૈકલ્પિક ઉપાયો અપનાવવા વધુ યોગ્ય રહેશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી




