બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકીના ઈ-મેલ મળતા ગુજરાતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ, BDDS, ફાયર બ્રિગેડ અને સાયબર ક્રાઈમની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
મળતી માહિતી મુજબ જુદા જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલી ધમકીઓમાં CM ઓફિસ, AMC મુખ્ય કચેરી અને RSS કાર્યાલયને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
કયા સ્થળોને મળી બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકી?
બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકીમાં ખાસ કરીને ત્રણ મહત્વપૂર્ણ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી
- AMC મુખ્ય કચેરીને બપોરે 3:11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી
- RSS કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે નિશાન બનાવવાની ધમકી
ધમકીભર્યા ઈ-મેલમાં ખાલિસ્તાન નેશનલ આર્મીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
AMC મુખ્ય કચેરી તાત્કાલિક ખાલી કરાઈ
બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકી બાદ દાણાપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને અન્ય અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને સીલ કરીને તપાસ શરૂ કરવામાં આવી.
મેયર હિતેશ બારોટની તાત્કાલિક સૂચના
હિતેશ બારોટ દ્વારા ફાયર વિભાગ અને સુરક્ષા કર્મચારીઓને બિલ્ડિંગના બેઝમેન્ટથી લઈને તમામ માળ સુધી સઘન ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી. કોઈપણ વ્યક્તિ બિલ્ડિંગમાં ન રહે તેની ખાતરી કરવા માટે તમામ વિભાગોને ખાલી કરાવવામાં આવ્યા હતા.
RSS કાર્યાલયમાં પણ ચેકિંગ
મણિનગર સ્થિત RSS કાર્યાલયને પણ ધમકી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.
CMO ઓફિસ બહાર વધારાયો બંદોબસ્ત
બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકીને પગલે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હાલમાં દિલ્હી પ્રવાસે હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેતી રાખી રહી છે. સંવેદનશીલ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો પર વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતીયો માટે મોટી રાહત! અમેરિકી કોર્ટે H-1B વિઝા પરની 95 લાખની ફી રદ કરી, કહ્યું: રાષ્ટ્રપતિ ટેક્સ લાદી શકે નહીં
BDDS અને ફાયર વિભાગની તપાસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના C બ્લોક સહિત તમામ વિસ્તારોમાં BDDS (Bomb Detection and Disposal Squad) અને ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ બિલ્ડિંગની અંદર અને બહાર બંને જગ્યાએ ચેકિંગ કરી રહી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી નથી.
સાયબર ક્રાઈમની ટીમે શરૂ કરી તપાસ
બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકી આપનારા ઈ-મેલના સોર્સ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે. ઈ-મેલ કયા સર્વર પરથી મોકલાયો, કઈ ઓળખનો ઉપયોગ થયો અને પાછળ કોણ જવાબદાર છે તે અંગે ટેક્નિકલ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધમકી સાચી છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
AMCના તમામ વિભાગો ખાલી કરાયા
દાણાપીઠ સ્થિત AMC ઓફિસના B અને C બ્લોકમાં આવેલી વિવિધ શાખાઓને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. જન્મ-મરણ નોંધણી કોર્ટ, ફૂડ વિભાગ અને અન્ય વહીવટી કચેરીઓમાંથી પણ કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુજરાતમાં હાઈ એલર્ટ
બોમ્બ (Bomb) બ્લાસ્ટની ધમકી બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો પર પણ વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
