જય અંબે
ૐ
સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ ૐ
ગતાંક થી આગળ ….
(ભાગ – ૩ )
લેખ વાંચ્યા પછી, ઘણા મિત્રો સાથે જે ચર્ચા થઈ તેમા મુખ્યત્વે બે સવાલ સામે આવ્યા. પહેલો સવાલ હતો, ક્ષર અને અક્ષરની સમજુતી બાબતનો. ઘણા મિત્રો ગીતામાં દર્શાવેલ આ સમજુતી માં સહમત હતા, પરંતુ અક્ષરાતીત શબ્દ ગીતામાં દર્શાવ્યો નથી તે બાબત પર વધુ પ્રકાશ પાડવા વિનંતી કરી હતી. આ તમામ મિત્રો ને હું ત્યારપછીના શ્લોક ના ગુઢાર્થ સમજવા વિનંતી કરું છું, અને સાથે જ સ્વેતાશ્વતર ઉપનીષદ ૬.૩ તરફ ધ્યાન દોરું છું. તે મુજબ “ અક્ષરપુરુષ, શ્રૃષ્ટિ રચવા રુપ કર્મ કરીને તેમાંથી નિવૃત થઇ જાય છે. અને ફરીથી પોતાના અવ્યય (અક્ષરાતીત) તત્વ માં ભળી જાય છે.” અક્ષરાતીત એ અક્ષર ની ઉપરનું શ્રેષ્ઠ સ્થાન છે.
બીજો સવાલ હતો “નાસા” ની સ્વીકૃતિ બાબતનો. આનાં માટે હું આપ સૌને નાસા ની official site જોવા વિનંતી કરૂં છું. સુર્યમાંથી નીકળતા electromagnetic waves ને sound waves માં તબદીલ કરીને આ નાદ ને નાસા ના સેન્ટર “Nasa Godard visitors center in greenbelt Maryland” માં મુકવામાં આવ્યો છે.
હવે આગળ વધીએ..
આગળ વધતા પહેલા આ લેખમાં રસ ધરાવનાર તમામ ને મારી નમ્ર વિનંતી કે “સત્સંગ”ની દરેક ધારાવાહીક ની પૂર્તિ સાચવી રાખે. દરેક લેખ માં આકૃતિ દ્વારા જે સમજાવવામાં આવશે તેનો બીજા લેખો માં પણ ઉપયોગ કરવામા આવશે.
ગીતાજી અધ્યાય ૮ (૧૮, ૧૯, ૨૦) મા દર્શાવેલ “વ્યક્તિ”,” વ્યક્ત” અને “અવ્યક્ત” ની ૐ દ્વારા સમજ:
ગીતાજી ના આઠમા અધ્યાયના શ્લોક ૧૮ થી ૨૦ મા સમજાવ્યુ છે કે, “ બ્રહ્માના દિવસના આરંભ સમયે બધા “જીવો (વ્યક્તિ)”, “અવ્યક્ત” દશામાંથી “વ્યક્ત” થાય છે અને પાછી જ્યારે બ્રહ્માની રાત પડે ત્યારે પુન: “અવ્યક્ત” દશા ને પામે છે. આ સિવાય તેનાથી પર એક “અવ્યક્ત પ્રકૃતિ” છે જે શાશ્વત (સનાતન) છે. અને આ “વ્યક્ત” થી પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ નહી થાય તેવી છે. જ્યારે આ જગતમાંનુ બધુ જ નાશ પામે છે, ત્યારે પણ તે તેમજ રહે છે.”
આ શ્લોક ને ૐ અક્ષર દ્વારા જોશો તો તેમાં જે જીવકોટી છે તે “જીવો” અથવા “વ્યક્તિ” નુ સ્થાન છે. દેવકોટિ અને ઇશકોટિ મા પરમાત્મા ના અવતારો કે જે પરમાત્મા નુ “વ્યક્ત” સ્વરુપ કહેવાય છે, તેનુ સ્થાન છે. આની ઉપર જે માત્રા છે તે “અવ્યક્ત પ્રકૃતિ” અને જે બીંદુ છે તે “અવ્યક્ત “એટ્લે કે પરમાત્મા નુ સ્થાન છે.
વિવિધ લોક, વિવિધ મુક્તિ અને મોક્ષ ની ૐ અક્ષર દ્વારા સમજણ:
આ સમજણ કેળવવા માટે પ્રથમ આપણે સ્થૂળદેહ વિશે ટૂંક્મા સમજીએ. આપણું શરીર એટલે કે સ્થૂળદેહ કૂલ ૨૫ (પચ્ચીસ) તત્વો નો બનેલો હોય છે. પાંચ મહાભૂત (આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી) + પાંચ જ્ઞાનેંદ્રિય (આંખ, કાન, નાક, જીભ, ચામડી) + પાંચ કર્મેંદ્રિય (હાથ, પગ, વાણી, પ્રજનન ઇંદ્રિય, મળ ઇંદ્રિય) + પાંચ વિષય (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ) + ચાર અંત:કરણ (મન, બુધ્ધિ, ચિત,અહંકાર) અને વાસના.
જ્યારે દેહનું મૃત્યુ થાય છે ત્યારે સૌ પ્રથમ શરીર છુટે છે, અહીં અનુક્રમે ઉપર દર્શાવેલા જે પ્રથમ પંદર તત્વો છે તે છૂટે છે. જેને અગ્નિદાહ આપી તે દેહ પંચમહાભૂત માં મળી ગયો તેમ કહીયે છીએ.
હવે બાકી રહેલા દસ તત્વો નો દેહ “સૂક્ષ્મદેહ “કહેવાય છે. જેનો કર્માનુસાર દેવલોક અથવા સ્વર્ગલોકમાં પ્રવેશ થાય છે જેને “સાલોક્ય મુક્તિ“ ( એટ્લે કે ભગવાનના નિત્યાધામમાં નિવાસ) કહેવાય છે. અહીંથી વધુ સારા કર્મો ના આધારે જો પાંચ વિષયો પણ છૂટી શકે તો બાકી રહેલા દેહ ને “કારણદેહ” કહેવાય છે, જેને “સારુપ્ય મુક્તિ” (એટલે કે ભગવાન ના જેવુ રૂપ) કહેવાય છે. બાકી રહેલા પાંચ તત્વોમાંથી જો ચાર કરણ (અંત:કરણ) છુટે તો “સામીપ્ય મુક્તિ” ( એટ્લે કે બ્રહ્મ ના સાનિધ્યમાં રહેવાનુ સામર્થ્ય) કહેવાય છે. હવે છેલ્લી વાસના (એટલે કે વાસનાદેહ) બાકી રહે છે, જો વાસના છુટે તો તેને “સાયુજ્ય મુક્તિ” (મોક્ષ) કહેવાય છે, પહેલી ત્રણ મુક્તિઓ ને, ફક્ત મુક્તિ કહેવાય છે એટલે કે ફરી જન્મ આપનારી કહેવાય છે, જ્યારે ચોથી સાયુજ્યમુક્તિ, મોક્ષ કહેવાય છે. અહીં જ આત્માનો પરમાત્માના વિગ્રહ માં પ્રવેશ થાય છે.
અહી પ્રવેશ થયા પછી આત્માને નવો દેહ મળતો નથી. યોગીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ ૐ માં રહેલા આ બિન્દુ પર હમેશા ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે પણ આગળ ઉપર સમજશું ૐ અક્ષર માં રહેલા બિન્દુનું મહત્વ. અને તેના ઉપયોગથી સાત્વિક ઈચ્છાપૂર્તિ ની રીતો.
આ તમામ સમજૂતી સાથે અહીં આપેલ આકૃતિ નો અભ્યાસ કરવા વિનંતી. અભ્યાસ કરવાથી ૐ અક્ષર ની સમજણ વધુ થશે. હજુ આગળ જેમ જેમ વધશું અને સમજશું, તેમ તેમ ૐ અક્ષર ની સમજ માટે ની નવી નવી ક્ષિતિજો ખૂલતી જશે. અને પહેલા લેખમાં જણાવ્યું હતું તેમ, ૐ ને જાણવા પછી માનવા (અથવા માણવા) મક્કમ બનશુ.
આવતા લેખમાં વધુ સમજુતિ સાથે મળીએ ત્યા સુધી….
!!! ૐ તત્સત !!!
લેખક : અનુપ શાહ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.