સુરત: ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. જર્મનીના રુહરમાં 16થી 27 જુલાઈ દરમિયાન યોજાનારી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ ગુજરાતનો 23 વર્ષીય આયાઝ મુરાદ કરશે. આયાઝની સાથે સુરતના જ 20 વર્ષીય દેવર્ષ વાઘેલાએ પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ બંને ખેલાડીઓએ સુરતની એસએજી-તાપ્તી વેલી હાઈ પરફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટરમાં બે વર્ષથી તાલીમ લઈને પોતાની કૌશલ્યોને નિખારી છે.
ભારતીય ટીમ ટીમ ઈવેન્ટ, સિંગલ્સ, પુરુષ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું, “આયાઝ અને દેવર્ષની પસંદગી ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. અમારી હાઈ-પરફોર્મન્સ એકેડેમીમાં તેમની તૈયારીઓ શાનદાર રહી છે, અને અમને આશા છે કે તેઓ ભારતીય ટીમ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.”
આયાઝ અને દેવર્ષ સાથે ભારતીય પુરુષ ટીમમાં હરકુવર સિંહ અને ચિત્વન વાધવા પણ સામેલ છે, જ્યારે મહિલા ટીમમાં તનીષા કોટેચા, પ્રીથા વર્તીકર, સુહાના સૈની અને સાયલી વાણી દેશનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતના ખેલાડીઓની આ સફળતા રાજ્યના રમતગમત જગત માટે એક નવો અધ્યાય ઉમેરે છે.