નાસિક ઢોલે રંગ જમાવ્યો, અફઝલ ખાન વધ પર આધારિત પોવાડા સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો
સુરત. હિંદવી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ બુધવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ લીલા ગ્રુપ અને સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા ભવ્ય શિવ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
કાર્યક્રમના આયોજકો સુનીલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું કે હતું કે સાંજે 5 વાગ્યાથી ડીંડોલી પોલીસ સ્ટેશનની સામે સ્થિત મેદાનમાં શિવ જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત સાંજે 5 કલાકે નાશિક ઢોલ પથકની પ્રસ્તુતિ સાથે થઈ હતી. મહારાષ્ટ્રથી ખાસ પધારેલા નાશિક ઢોલ પથકે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. પુરુષો, મહિલાઓ અને બાળકોએ ઢોલના તાલ પર લેજીમ ડાન્સ કર્યો હતો. આ સાથે જ લોકોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય ગીતો પર પણ ખૂબ ઝૂમ્યા હતા. ત્યાર બાદ અફઝલખાન વધ પર આધારિત પોવાડા શિવ શાહીર સંતોષ સાલુંકેએ રજૂ કર્યો હતો. સંતોષ સાંલુકેના મુખેથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પોવાડા સાંભળવા મેદાનમાં ભીડ ઉમટી પડી હતી. મહારાજની બહાદુરી અને અફઝલ ખાનના વધની વાર્તા સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. રાત્રે 11 વાગ્યા સુધી પોવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોવાડાના સમાપન બાદ લગભગ 11 કલાકે દરેક માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.