દિવસભર વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી લોકોના આશીર્વાદ મેળવ્યા
સુરત. બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસ પણ ઉજવણી કરી હતી.
સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે. શનિવારે તેમનો 55મો જન્મદિવસ હતો. આ પ્રસંગે, તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈને દિવસની શરૂઆત કરી અને પછી સઠાવાવ આશ્રમમાં તેમના પિતાના સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતાં. ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા. શનિવારે ઇશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી.તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું. જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણ તેઓ ખાસ સુરત સરકીટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો.