એકત્રીત થયેલ દાન, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપશે
સુરત. ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર પતંગ સાથે ઉજવણીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દાનનું પણ છે. ત્યારે શહેરની વી.એન. ગોધાણી સ્કૂલના 56 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ પતંગ સાથે પર્વની ઉજવણી કરવાના બદલે દાન એકત્રીત કર્યું હતું અને આ એકત્રિત થયેલ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપવામાં આવશે.
હિન્દુઓ માટે ઉત્તરાયણ પર્વ દાન આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અમીર – ગરીબ સૌ કોઈ પોતાની ક્ષમતા – અનુકૂળતા મુજબ ગૌશાળા – ધર્મસ્થાનો – વૃદ્ધાશ્રમ – અનાથ આશ્રમમાં દાન આપતા હોય છે. ત્યારે મૂંગા પશુ – પક્ષી, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માટે દાન એકત્ર કરી, આવી અલગ – અલગ સંસ્થાઓમાં વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલના માધ્યમથી પહોંચાડવામાં આવે એવો વિચાર ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વર્ગમાં વહેતો મૂકવામાં આવેલ.
ત્યારે બાળકોએ પણ આ નિર્ણયને વધાવી લીધેલ. સામાન્ય રીતે બાળકો ઉત્તરાયણ પર્વનો વિશેષ આનંદ ઉઠાવતા હોય છે. વહેલી સવારથી જ અગાશી પર પતંગ ચગાવવા આવી જતાં હોય, આખો દિવસ અગાશી પર DJ (માઇક-સ્ટીરીયો) પર ગીતો વગાડી નાચ-ગાન કરતાં હોય. મોટાભાગે જમવાનું અને નાસ્તો બધુ અગાશી પર જ થતું હોય, પરંતુ આવા આનંદના સમયમાં મિત્રો-કઝિન્સ અને ફેમિલી સાથે એન્જોય કરવાનું મૂકીને વી.એન.ગોધાણી શાળામાં ધોરણ 9 અને 10ના 56 જેટલા બાળકો અને શિક્ષકોએ સવારના ૮-૦૦ કલાકથી બપોરે ૨-૦૦ કલાક સુધી દાન એકત્ર કર્યું હતું. આ બાળકો અને શિક્ષકો સ્કૂલના યુનિફોર્મ પહેરીને કતારગામ વિસ્તારમાં સન્ડે હબ, ડભોલી ચારરસ્તા, સિંગણપોર ચાર રસ્તા તેમજ સ્વામીનારાયણ મંદિર, કતારગામ કુલ – ૪ જગ્યાઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને દાન સ્વીકાર્યું હતું. શાળાના બાળકો દ્વારા એકત્રિત કરવામાં આવેલ આ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, બહેરા મૂંગા બાળકોની સંસ્થાને અર્પણ કરવામાં આવશે.
શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા આ કાર્ય બદ્દલ શાળાના વડા ગોવિંદકાકા એ જણાવ્યું હતું કે,
આ પ્રયોગ કરવાનું વિચાર એટલે જ આવ્યો કે, આ ઉંમરે વિદ્યાર્થીને ખબર પડે કે, બીજા માટે દાન કેમ માંગવું..? આવેલા દાનનો ઉપયોગ કોના માટે કરવો..?
ટૂંકમાં વિદ્યાર્થીઓમાં આપવાની ભાવના કેળવાય એને સમાજ શિક્ષણની તંદુરસ્તી સ્કુલમાં જ મળી જાય એ ભાવ સાથે આગળ વધી રહ્યા છીએ..
સ્કુલના ડાયરેક્ટર ભાવેશ લાઠિયા જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણના પર્વમાં દાનનો પણ એટલો જ પારંપરિક મહિમા છે ત્યારે, આ રીતે દાન એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવું જવાબદારી વિદ્યાર્થીમા આવે એ મહત્વ સમજાવવા આ પ્રમાણેના પ્રયોગો સ્કુલ દ્વારા કરવામાં આવે છે.
ભારતનો આ વારસો આવનારી પેઢીમાં જળવાય તે માટે આ એક શરૂઆત છે . આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં જીવદયા, કરુણા, જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થવું તેવા સદગુણોનું ચિંતન થાય તે હેતુ ની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને વ્યક્તિઓને મદદ કરવાની ભાવનાના બીજ આ કુમળા માનસમાં જ રોપાય જાય, જે સમય જતાં સારા નાગરિક તરીકે સમાજને અને પરિવારને દરેક આપત્તીના સમયે સમાજ સાથે ઊભા રહેવાની પ્રેરણા આપતું રહે તે ઉપરાંત અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, બહેરા-મૂંગા માટેની સંસ્થાઓમાં પણ દાન મળી રહે તેવા હેતુથી આ પ્રવૃતિ કરવામાં આવી હતી.
આવેલા દાનને વિદ્યાર્થીઓ જ જરૂિયાતમંદોને પહોચાડવાના છે અને ત્યાબાદ જે તે ચોકમાં આવેલા દાનનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જે તે જગ્યાએ પારદર્શકતા સાથે આપવાના છે.
ટૂંકમાં લીધા પછી સમાજને હિસાબ કેમ અપાય એ પણ જાહેરમાં આપવનું શિક્ષણ પણ બાળકોના હૃદયમા જગાડવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે