UK New Visa Policy Update: હવે ભારતીયો માટે ભારતમાંથી બ્રિટન જવું વધુ મુશ્કેલ બનશે. પીએમ ઋષિ સુનકની સરકારે બહારથી યુકે આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે નવા વિઝા અને આવક સંબંધિત નિયમો લાગુ કર્યા છે.
આ અંતર્ગત હવે ભારતમાં રહેતા પરિવારના સભ્યો માટે સ્પોન્સરિંગ વિઝાની ન્યૂનતમ મર્યાદા વધારી દેવામાં આવી છે. નવા નિયમો અનુસાર 29 હજાર પાઉન્ડથી ઓછી કમાણી કરતા બ્રિટનમાં રહેતા લોકો બ્રિટન આવવા માટે તેમના પરિવારના કોઈપણ સભ્યના વિઝાને સ્પોન્સર કરી શકશે નહીં.
યુનાઇટેડ કિંગડમમાં પરિવારના સભ્ય માટે વિઝા સ્પોન્સર કરવાની ફી 18 હજાર 600 પાઉન્ડ છે, જે હવે 29 હજાર પાઉન્ડ કરવામાં આવી છે. એટલે કે સ્પોન્સર ફીમાં અચાનક 55 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આવતા વર્ષે આ ફી વધીને 38 હજાર 700 પાઉન્ડ થઈ જશે. જે ચૂકવવું બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો માટે વધુ મુશ્કેલ બનશે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર, 2022માં ભારતમાંથી યુકે જતા લગભગ 50% લોકોની વાર્ષિક આવક £39,000થી ઓછી હતી. મધ્યમ આવક ધરાવતા લોકો માટે બ્રિટન જવાનું હવે સપનું બની શકે છે. ફક્ત તે જ લોકો બ્રિટન જઈ શકશે, જેમની કમાણી લાખોમાં હશે.
ભારતીયોનું બ્રિટનમાં સ્થાયી થવાનું સપનું ચકનાચૂર થઈ જશે
રિપોર્ટ અનુસાર, અમેરિકા અને કેનેડા પછી બ્રિટન ભારતીયોના વિદેશ જવાની યાદીમાં ટોચ પર છે. આ જ કારણ છે કે નોન-યુરોપિયન દેશોમાંથી બ્રિટન આવતા ઈમિગ્રન્ટ્સમાં ભારતીયો પ્રથમ સ્થાને છે. બ્રિટન જતા મોટાભાગના ભારતીયો ત્યાં અભ્યાસ અર્થે જાય છે. જ્યારે ઘણા ત્યાં પ્રવાસ અને નોકરી માટે પણ જાય છે. આવી સ્થિતિમાં સુનક સરકારના આ નિર્ણયની ભારતીયો પર અસર પડશે તે નિશ્ચિત છે.
માત્ર ભારતીયો જ નહીં, નાઈજિરિયન ઈમિગ્રન્ટ્સને પણ તેની અસરનો સામનો કરવો પડશે. ભારતીયોની જેમ, બ્રિટનમાં સ્થાયી થયેલા નાઇજિરિયનો પણ તેમના પરિવારના સભ્યોના વિઝાને સ્પોન્સર કરે છે અને તેમને યુકેમાં આમંત્રિત કરે છે. તેથી, હવે આ બંને સમુદાયોએ સાથે મળીને નવા વિઝા નિયમોનો માર સહન કરવો પડશે.
કુશળ વર્કર વિઝા મેળવવું સરળ નહીં હોય
બ્રિટનમાં સ્થાયી થયેલા મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ કુશળ કામદારો છે, જેમને બ્રિટિશ કંપનીઓ નોકરીની ઓફર આપીને આમંત્રણ આપે છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે. આ મામલે ભારતીયો નંબર વન પર છે. કુશળ વર્કર કેટેગરીમાં યુકેના વિઝા મેળવનારા વિદેશી ઇમિગ્રન્ટ્સમાં ભારતીયો પ્રથમ સ્થાને છે. આ શ્રેણીમાં ભારતીયોને આપવામાં આવતા વિઝામાં 63 ટકાનો વધારો થયો છે. બ્રિટને વર્ષ 2021-22માં 13,380 ભારતીયોને વિઝા આપ્યા, જ્યારે 2022-23માં આ સંખ્યા વધીને 21,837 થઈ હતી
ઉદ્દેશ્ય વસ્તીને સંતુલિત કરવાનો છે – બ્રિટિશ સરકાર
બ્રિટિશ ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, યુકેમાં વર્ક વિઝા મેળવનારા ઈમિગ્રન્ટ્સમાં ભારતીયોની સંખ્યા 38 ટકા છે. આ પછી 17 ટકા સાથે નાઇજિરિયન ઇમિગ્રન્ટ્સ અને 9 ટકા ઝિમ્બાબ્વેના ઇમિગ્રન્ટ્સ આવે છે. જો કે, હવે વિઝા નિયમોમાં આ ફેરફારને કારણે ભારતીયો માટે યુકે પહોંચવું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો :કોણ છે કેન્દ્ર સરકારના આ મંત્રી ? જેની કરપાત્ર આવક ઘટીને માત્ર ગઈ છે 680 રૂપિયા થઈ
સુનક સરકારના આ નિર્ણય પર બ્રિટિશ ગૃહ મંત્રાલયે પોતાની સ્પષ્ટતા આપી છે. મંત્રાલયનું કહેવું છે કે દેશમાં સ્થળાંતર કરનારાઓની વધતી સંખ્યાને સંતુલિત કરવા અને તેમના પર ખર્ચવામાં આવતા કરદાતાઓના નાણાં બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રાલયનો દાવો છે કે વિઝા નિયમોમાં ફેરફારને કારણે માત્ર મર્યાદિત સંખ્યામાં જ માઈગ્રન્ટ્સ બ્રિટન આવી શકશે, જેના કારણે વસ્તી સંતુલન જળવાઈ રહેશે.