ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે.
રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત, પ્રાથમિક શિક્ષક સંઘ-ગુજરાત તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ-ગુજરાતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા શિક્ષકો શિક્ષણ ઉપરાંત કૃષિ સાથે પણ જોડાયેલા છે. ઘણા શિક્ષકો ખેતી પણ કરે છે. કૃષિ સાથે જોડાયેલા શિક્ષકો જો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તો અન્ય ખેડૂતો માટે વિશેષ અનુકરણીય બની રહેશે. એટલું જ નહીં, તેઓ અન્ય ખેડૂતોને યોગ્ય રીતે તાલીમબદ્ધ કરી શકે. સાથોસાથ વિદ્યાર્થીઓને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે સાચી સમજણ આપી શકે.
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને તબક્કાવાર વૉકેશનલ શિક્ષણના અભ્યાસક્રમમાં ઉમેરવા, સ્કૂલોમાં પ્રાથમિક-માધ્યમિક કક્ષાએ પ્રાકૃતિક ખેતી વિશે નિબંધ લેખન સ્પર્ધા, ક્વિઝ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા પણ વિચાર-વિમર્શ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા કક્ષાએ જઈને તમામ શિક્ષકોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતી ખેતપેદાશો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પર્યાવરણ, જમીન અને જનઆરોગ્ય માટે અનિવાર્ય છે ત્યારે સમાજના તમામ વર્ગોએ આ માટે જાગૃત થવું પડશે.
આ બેઠકમાં શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, શ્રી સુખદેવસિંહ જાડેજા, શ્રી ભીખાભાઈ પટેલ, શ્રી મિતેશભાઇ ભટ્ટ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ચૌધરી અને પ્રાકૃતિક કૃષિના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં