સુરતમાં નશાના નેટવર્કને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીના નામે ચાલતી હાઈ પ્યુરિટી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સ (Drugs) ફેક્ટરીનો સુરત SOGએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર રેકેટનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે, ડ્રગ્સ બનાવનાર આરોપીઓ કોઈ અશિક્ષિત ગુનેગાર નહીં પરંતુ કેમિસ્ટ્રીના માસ્ટર અને સિનિયર કેમિસ્ટ છે અને આ આખું નેટવર્ક લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના ઈશારે ચાલતું હતું.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં SOGએ દરોડા પાડીને ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ડ્રગ્સ (Drugs) ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં આધુનિક મશીનરી અને જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરીને હાઈ પ્યુરિટી બ્લુ કલરનું MD એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) બનાવવામાં આવતું હતું.
1 જાન્યુઆરીની ધરપકડથી ખુલ્યો ભેદ
આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે SOGએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ (Drugs) કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતાં SOGની અલગ-અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.
તપાસના તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. લેબની અંદર તપાસ કરતાં પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યાં હતાં, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.
આરોપીઓ કોઈ અશિક્ષિત ગુનેગાર નહીં પરંતુ કેમિસ્ટ્રીના માસ્ટર
ડ્રગ્સ (Drugs) ની ફેક્ટરીમાં કામ કરતા તમામ આરોપીઓ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ અને મિત્ર છે. આ આખા કેસનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે પકડાયેલા આરોપીઓ કોઈ અશિક્ષિત ગુનેગાર નથી, પરંતુ કેમિસ્ટ્રીના માસ્ટર છે. આરોપી બ્રિજેશ તે માત્ર બી.એસ.સી. કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ નથી, પરંતુ સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે ફરજ બજાવે છે. પકડાયેલા અન્ય બે આરોપીઓ પણ માલીબા કોલેજના વિદ્યાર્થીઓ છે, જેમણે કેમિસ્ટ્રીમાં બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી છે. આ આખા રેકેટનો માસ્ટરમાઈન્ડ જનક જાગાણી છે, જે હાલ લંડન બેઠો છે. જનક પોતે કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી હોવાથી તેને ખબર હતી કે કયા પ્રતિબંધિત વગરના કેમિકલ્સનો ઉપયોગ કરીને પ્રતિબંધિત MD ડ્રગ્સ બનાવી શકાય છે.
લંડન બેઠેલો માસ્ટરમાઈન્ડ
આ રેકેટનો સૌથી ચોંકાવનારો વળાંક ‘લંડન કનેક્શન’ તરીકે સામે આવ્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લેબ ટેક્નિશિયન, ડ્રગ સપ્લાયર, કેમિકલના જાણકારની ધરપકડ
પોલીસે આ મામલે ડ્રગ્સ (Drugs) બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા (ઉંમર 28)ની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેક્નિશિયન છે. તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠિયા (ઉંમર 32)ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું.
સોશિયલ મીડિયાથી ચાલતો નશાનો વેપાર
આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું છે કે, 10,000 રૂપિયામાં ભાડે લેબ લઇ છેલ્લા બે મહિનામાં તેઓ 5 કિલોથી વધુ ડ્રગ્સ બનાવીને વેચી ચૂક્યા છે. જેની બજાર કિંમત લાખોમાં થાય છે, કારણ કે તેઓ 1 ગ્રામ ડ્રગ્સ 5000 રૂપિયામાં વેચતા હતા. આ ડ્રગ્સ માફિયાઓ વેચાણ માટે પરંપરાગત રીતોને બદલે Instagram અને Snapchat જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા, જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. જોકે, SOGની ટીમે છેલ્લા ચાર મહિનાની વોચ બાદ આ નેક્સસનો પર્દાફાશ કર્યો છે.
લેબોરેટરીમાંથી તૈયાર MD Drugs સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં 200 ML મિક્સ કેમિકલ (કિંમત ₹20,000), 1 લિટર HB કેમિકલ, 5 લિટર H2SO4 અને મિથાઈલ એમાઈન જેવા જ્વલનશીલ કેમિકલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 નંગ Vacuum Oven (કિંમત 25,000), 1 નંગ Vacuum Pump (કિંમત 20,000), Overhead Stirrer અને ડિજિટલ વેઇંગ મશીન સહિત કુલ 2,92,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં 50,850ની કિંમતનું 16.950 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) પણ સામેલ છે.
હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવાઓ અને 3 મોબાઈલ ફોન (કિંમત 1,15,000)ની તપાસ કરી રહી છે.
હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં ડિમાન્ડમાં રહેતું બ્લુ MD ડ્રગ્સ બનાવતા
આરોપીઓ લેબમાં ખાસ પ્રકારનું ‘બ્લુ કલરનું MD ડ્રગ્સ’ બનાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ હાઈ-લેવલની પાર્ટીઓમાં ખૂબ જ ડિમાન્ડમાં હોય છે. ડ્રગ માફિયાઓ ચોક્કસ કેમિકલ પ્રોસેસ અથવા રંગ ઉમેરીને તેને બ્લુ રંગ આપે છે. આ એક પ્રકારનું ‘બ્રાન્ડિંગ’ છે, જેથી ગ્રાહકોને લાગે કે આ ‘સુપર ક્વોલિટી’ અથવા ‘પ્રીમિયમ’ ડ્રગ છે. પ્રખ્યાત વેબ સિરીઝમાં બ્લુ મેથ બતાવવામાં આવ્યું હતું. ત્યારથી ડ્રગ માર્કેટમાં ‘બ્લુ ક્રિસ્ટલ’ ને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને તેની કિંમત પણ વધુ વસૂલવામાં આવે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
