હજીરા-સુરત, એપ્રિલ 24, 2025: AMNS ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઇએ ઇન્ડિયન ડિબેટિંગ લીગ દ્વારા આયોજિત ફ્રેન્કીનસ્ટાઇન ડિબેટ ટૂર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં “બેસ્ટ સ્પીકર”નો ખિતાબ જીતી લીધો. આ ઇવેન્ટનું આયોજન આ વખતે IIT દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત થનારી વાર્ષિક સ્પર્ધાની આ વખતની થીમ “ક્લાઇમેટ કોલ્સ: ગ્રોઇંગ પાઇ, શ્રિંકિંગ લાઇવ્સ” હતો. સિનિયર કેટેગરીમાં સ્પર્ધા કરી તનિષ્કાએ વિજેતા તરીકે સફળતા પ્રાપ્ત કરી છે.
તનિષ્કાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ વક્તૃત્વ અને વિશ્લેષણક્ષમતા દર્શાવી હતી, જે કઠિન ઓનલાઈન પ્રાથમિક રાઉન્ડથી શરૂ થઈ હતી, આ સ્પર્ધામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેણીના સતત શ્રેષ્ઠ પ્રર્દશને તેને ટોચના 50 પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓમાં સ્થાન અપાવ્યું હતું. ત્યારબાદ તે સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી, જે ઓફલાઇન પધ્ધતિથી આયોજિત કરાયો હતો.
તનિષ્કાએ સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં પોતાની શાનદાર વક્તૃત્વ પ્રતિભાથી “બેસ્ટ સ્પીકર” એવોર્ડ તથા ઓરિજિનલ ઓરેટરી કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેના કારણે તે રાષ્ટ્રીય સ્તરે ટોચના 5 પ્રખર વક્તાઓની યાદીમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહી છે.
તનિષ્કાની સિદ્ધિ વિશે સુનિતા મટુ, આચાર્ય, AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ જણાવે છે કે, “અમે તનિષ્કા અને તેની આ સિદ્ધિ પર અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં બેસ્ટ સ્પીકર એવોર્ડ જીતવું તેણીની મહેનત, આત્મવિશ્વાસ, વક્તૃત્વ કુશળતા અને તેની ઉંડી સમજને પ્રકાશિત કરે છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે હંમેશા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ પોતે વિશ્વાસ કેળવે અને ઉંચા લક્ષ્યાંકોને પાર પાડે તે માટે પ્રોત્સાહન આપીએ છીએ.”