સુરત (Surat) ના ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં સગર્ભા મહિલા અને તેના ગર્ભસ્થ શિશુનું મોત થતાં હોબાળો મચ્યો છે. હોસ્પિટલ દ્વારા 24 કલાક ઈમર્જન્સી સેવાનો દાવો કરવામાં આવે છે. જોકે, હોસ્પિટલ ચલાવતા ડૉ. અજય વિનુભાઈ ભુવા (BAMS) અને ડૉ. સંગીતાબેન અજયભાઈ ભુવા (BHMS) પૈકી કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ ન હોવા છતાં સગર્ભા મહિલાની સારવાર કરવામાં આવી હોવાના મુદ્દે સવાલો ઉઠ્યા છે.આ સમગ્ર મામલે પરિવારજનોના આક્ષેપો અને પોલીસ તથા હોસ્પિટલના તબીબના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પોલીસે સોનોગ્રાફી રિપોર્ટમાં લીવર પર સોજો હોવાનું જણાવ્યું છે, જ્યારે મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, ડૉક્ટરે ઘરેથી ફોન પર નર્સને ઈન્જેક્શન આપવા સૂચના આપી હતી અને ત્યારબાદ દર્દીની હાલત વધુ ગંભીર બની હતી.
સુરત (Surat) માં પેટમાં અસહ્ય દુખાવો થતાં સગર્ભા મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ
મૃતક મહિલાના ભાઈ ચંદન અશોક પાસવાનના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટના રોજ સાંજે આશરે 7 વાગ્યે તેમની બહેનને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. અગાઉની બે ડિલિવરી પણ આ જ (Surat) હોસ્પિટલમાં થઈ હોવાથી પરિવારજનો ત્રીજી ડિલિવરી અને સારવાર માટે મહિલાને વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરે મહિલાને દાખલ કરી હતી અને બોટલ ચડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, ત્યારબાદ ડૉક્ટર હોસ્પિટલ છોડીને ઘરે જતા રહ્યા હતા અને રાત્રિ દરમિયાન કોઈ જવાબદાર તબીબ સ્થળ પર હાજર નહોતા.
ડૉક્ટરે ઘરેથી ફોન પર નર્સને ઈન્જેક્શન આપવાની સૂચના આપી હોવાનો આક્ષેપ
પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, મોડી રાત્રે મહિલાને અસહ્ય પીડા અને ગેસની તકલીફ થતી હોવા છતાં ડૉક્ટર રૂબરૂ હાજર થયા નહોતા. પરિવારના જણાવ્યા મુજબ, ડૉક્ટરે ઘરે બેઠા ફોન પર નર્સને ઈન્જેક્શન અને દવા આપવા સૂચના આપી હતી.પરિવારજનોનું કહેવું છે કે, હોસ્પિટલમાં 24 કલાક ઈમર્જન્સી સેવાના બોર્ડ હોવા છતાં યોગ્ય સુવિધા અને નિષ્ણાત તબીબની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા થયા છે. મહિલાના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીના નામે લાયસન્સ રાખીને હોસ્પિટલની કામગીરી ચલાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે (Surat) હોસ્પિટલને સીલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સોનોગ્રાફીમાં લીવર પર સોજો આવ્યો હોવાનું પોલીસનું નિવેદન
(Surat) ગોડાદરા પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ગોહિલના જણાવ્યા અનુસાર, મહિલા ડિલિવરી માટે નહીં પરંતુ દુખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ડિલિવરીની તારીખ ઘટનાના આશરે એક અઠવાડિયા બાદની હતી.બીજા દિવસે સવારે મહિલાને વધારે દુખાવો થતાં સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સોનોગ્રાફી રિપોર્ટમાં લીવર પર સોજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઈન્જેક્શન આપવામાં આવ્યા અને દર્દીની હાલત અનિયંત્રિત બન્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.પોલીસે જણાવ્યું કે, બંને તબીબો ગાયનેકોલોજિસ્ટ નથી પરંતુ જનરલ પ્રેક્ટિસ કરે છે. હાલ પેનલ પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં Food બિઝનેસ માટે મોટો નિર્ણય: કિચનનું લાઈવ CCTV ગ્રાહકોને દેખાડવું ફરજિયાત
ડૉક્ટર અજય ભુવાનો દાવો: ઈમર્જન્સીમાં ઓનકોલ દવા આપવી સામાન્ય બાબત
(Surat) હોસ્પિટલના ડૉક્ટર અજય ભુવાએ જણાવ્યું હતું કે, મહિલા દર્દીને સારવાર અને બોટલ ચડાવવામાં આવી હતી, ત્યારબાદ તેને રાહત થઈ હતી. જોકે, બાદમાં બ્લડ રિપોર્ટમાં ઈન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું.દર્દીને સતત ખાંસી આવતી હોવાથી નેબ્યુલાઇઝર શરૂ કરવામાં આવ્યું હતું. સવારે પણ ખાંસી ચાલુ રહેતા ઓનકોલ સૂચના મુજબ પેરામેડિકલ સ્ટાફ એટલે કે નર્સ દ્વારા હાઈડ્રોકોટ ઈન્જેક્શન અને બાફ આપવામાં આવ્યો હતો.ડૉક્ટર અજય ભુવાના જણાવ્યા મુજબ, આ સારવારના થોડા સમય બાદ દર્દીનું ઓક્સિજન લેવલ 40થી 45 સુધી ઘટી ગયું હતું. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન આપતી વખતે દર્દી કોલેપ્સ થઈ ગઈ હતી.ડૉક્ટર અજય ભુવાએ દાવો કર્યો હતો કે, ઈમર્જન્સીમાં ઓનકોલ દવા આપવી સામાન્ય બાબત છે અને દર્દી કોલેપ્સ થઈ ત્યારે તેઓ પોતે હાજર હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસે જરૂરી તમામ રજિસ્ટ્રેશન ઉપલબ્ધ છે.
મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમની માંગ
હોસ્પિટલના તબીબે મહિલાના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી છે. બીજી તરફ, (Surat) પોલીસ દ્વારા હોસ્પિટલનું લાયસન્સ, જરૂરી કાગળો, સોનોગ્રાફી રિપોર્ટ અને પેનલ પોસ્ટમોર્ટમ સહિતના દસ્તાવેજોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.સુરતમાં બનેલી આ ઘટનામાં એક તરફ પરિવારજનો દ્વારા સારવારમાં બેદરકારી અને ડૉક્ટરની ગેરહાજરી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલના ડૉક્ટરે સારવારની પ્રક્રિયા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હવે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મહિલાના મોતનું ચોક્કસ કારણ તથા જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

.gif)