એક વર્ષીય ઉદ્યોગ-શૈક્ષણિક પહેલ દ્વારા રોજગારલક્ષી એન્જિનિયરિંગ પ્રતિભા તૈયાર કરવામાં આવશે
પ્રથમ બેચમાં 80 એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોનો સમાવેશ
સુરત – હજીરા, જુલાઈ 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સહયોગથી આજે એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે ઉદ્ઘાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી તેજસ પરમાર, IAS, માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત ઉપરાંત પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNIT, શ્રી આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગસંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.
વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે. એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.
આ પ્રસંગે શ્રી તેજસ પરમાર, IAS, માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરતે જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.”
શ્રી આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”
પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.”
એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.
આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

