સુરતમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. સુરત જય દલાલ (Jay Dalal) હત્યા કેસ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે સંકળાયેલા યુવા કાર્યકર અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની ગઇકાલે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જય દલાલ (Jay Dalal) ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના કાર્યકર તરીકે ઓળખાતા હતા અને સતત રાજકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા હતા. આ ઘટનાએ માત્ર રાજકીય માહોલમાં જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ ઉભો કર્યો છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
પરિવારના જણાવ્યા અનુસાર, ગઇકાલે સાંજે લગભગ 8:30 વાગ્યા સુધી જય દલાલ (Jay Dalal) ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના એક મિત્રનો ફોન આવતા તેમણે પરિવારને જણાવ્યું હતું કે તેઓ મોડા આવશે અને જમવાનું નહીં કરે. ત્યારબાદ તેઓ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ પરિવારને ફોન આવ્યો કે જય દલાલને ગંભીર ઇજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાદમાં તેમને એપલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સુરત જય દલાલ હત્યા કેસમાં પોલીસ તપાસ મુજબ હુમલો રોડ નંબર 6 ઉપર આવેલી ભંગારની દુકાન પાસે થયો હતો. તે સમયે જય દલાલ પોતાના મિત્રોની સાથે ઊભા હતા.
ત્રણ આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો
પોલીસે પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપીઓની ઓળખ કરી છે. આરોપીઓમાં કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ બાઇક પર ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ જય દલાલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન જય દલાલને અનેક ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલા જય દલાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
માતાનો આક્રંદ: “મારો એકનો એક દીકરો હતો”
મૃતક જય દલાલ (Jay Dalal) ની માતા જયશ્રીબેન દલાલે આક્રંદ સાથે જણાવ્યું હતું કે તેમનો પુત્ર કોઈ વિવાદમાં રહેતો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે હુમલો કરનારાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ જેલ જઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, “મારો 21 વર્ષનો એકનો એક દીકરો હતો. તેને કોઈની સાથે દુશ્મની નહોતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને ફાંસીની સજા મળવી જોઈએ.” જયશ્રીબેન દલાલે વધુમાં કહ્યું કે આરોપીઓ અગાઉ PASA હેઠળ પણ કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા છે. તેમ છતાં તેઓ બહાર ફરી રહ્યા હતા, જેના કારણે આજે તેમના દીકરાનો જીવ ગયો.
જય દલાલ (Jay Dalal) ના પિતાની સરકારને અપીલ
જય દલાલ (Jay Dalal) ના પિતા નગીન દલાલે જણાવ્યું હતું કે તેમનો પુત્ર લોનો અભ્યાસ કરતો હતો અને ભવિષ્ય માટે મોટા સપના ધરાવતો હતો. તેમણે કહ્યું કે જય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો નહોતો. તેમણે સરકાર અને પોલીસ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો સામાન્ય લોકોની સુરક્ષા કેવી રીતે થશે? તેમણે આરોપીઓને તડીપાર કરવાની અને કડક સજા આપવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : કોનો પાસપોર્ટ (Passport) વિશ્વમાં સૌથી ખાસ છે? ફક્ત 500 લોકો પાસે જ છે, તેની શું ખાસિયત છે?
ACP ચિરાગ વાડોદરિયાનું નિવેદન
ACP ચિરાગ વાડોદરિયાએ જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો અને હુમલાખોરો પહેલાથી જ જય દલાલ (Jay Dalal) સાથે કોઈ જૂના વિવાદને લઈને રોષ રાખતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, લગભગ ત્રણ મહિના પહેલાં મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પ્રાથમિક તપાસમાં એ જ જૂની અદાવત હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે. ACPએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર સામે અગાઉ પણ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ માર્ચ મહિનામાં PASA હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
સુરત જય દલાલ હત્યા કેસ બાદ રાજકીય ખળભળાટ
સુરત જય દલાલ (Jay Dalal) હત્યા કેસ બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપ સાથે જોડાયેલા યુવા નેતાની જાહેરમાં હત્યા થવાને કારણે પક્ષના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસ દ્વારા તપાસ તેજ
સુરત પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ રેકોર્ડ અને આરોપીઓની હિલચાલના આધારે વધુ તપાસ કરી રહી છે. સુરત જય દલાલ (Jay Dalal) હત્યા કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને કાયદાની પકડમાં લેવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠ્યા પ્રશ્નો
આ ઘટનાએ ફરી એકવાર સુરતમાં વધતા ગુનાખોરીના બનાવોને લઈને લોકોમાં ચિંતા ઉભી કરી છે. ખાસ કરીને રાજકીય રીતે સક્રિય યુવા નેતાની જાહેરમાં હત્યા થવાથી સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે અગાઉ કાર્યવાહી થઈ હોવા છતાં તેઓ ફરી ગંભીર ગુનાઓ કરી રહ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
