નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિંગોદ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી (Tank) લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ જતાં સમગ્ર મામલે ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી બનાવાયેલી આ ટાંકીની ગુણવત્તા અને પાણી પુરવઠા વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
લાખોની ટાંકી (Tank) લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત
ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી સિંગોદ ગામે આશરે 12 લાખ રૂપિયાના ખર્ચે 50 હજાર લીટરની ક્ષમતાવાળી આ ટાંકી (Tank) નું નિર્માણ કરાયું હતું. જોકે ટાંકીનું વિધિવત ઉદ્ઘાટન થાય તે પહેલા જ બુધવારના રોજ આ ટાંકી અચાનક તૂટી પડી હતી.
પાણી પુરવઠા વિભાગની દેખરેખ પર પ્રશ્નચિહ્ન
આ પ્રોજેક્ટનું કામ RBPL નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય દેખરેખ અને ચકાસણી ન થવાને કારણે આ ઘટના બની હોવાનો આરોપ ઉઠી રહ્યો છે, જેના કારણે સરકારી નાણાંના દુરુપયોગની ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, ટાંકી (Tank) ના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો હતો.
દિવસ દરમિયાન ઘટના બની હોત તો મોટી જાનહાનિ શક્ય
આ ટાંકી (Tank) કાર્યરત થયા બાદ અથવા તો રાત્રીના બદલે દિવસના ધરાશાયી થઈ હોત, તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સ્પષ્ટતા
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર નીલમ ચૌધરી જણાવે છે કે, ગઈકાલે આ ઘટના બની છે જે અમારા ધ્યાને આવી છે. સિંગોદની અંદર આશરે 50,000 લિટર ક્ષમતાની 10 મીટરની હાઈટની ટાંકીનું કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું, ત્યારે ગઈકાલે આ ઘટનાનું રિપોર્ટિંગ અમને મળ્યું છે કે, ત્યાં ટાંકી તૂટી પડી છે. આશરે 50,000 લિટરની ક્ષમતાની આ ટાંકી (Tank) હતી અને કન્સ્ટ્રકશનના અંદાજિત ત્રણ મહિના ઉપર થયા હશે અને એની એસ્ટિમેટેડ એમાઉન્ટ 12 લાખ જેવી છે જેનું પેમેન્ટ એજન્સીને અત્યારે કરવામાં આવેલું નથી, પણ એના ટેસ્ટિંગ પહેલા જ એજન્સીના ત્યાં જમીનના કોઈ કારણોસર ભંગાણ થયેલું છે.
PMCને શૉ-કોઝ નોટિસ
વધુમાં જણાવ્યું કે, વેડછા ગ્રુપ યોજના અંતર્ગત RBPL એજન્સીને આ કન્સ્ટ્રકશનની કામગીરી સોંપવામાં આવી હતી. ટાંકી (Tank) ના ભંગાણનું કારણ શું છે તે અંગે નિષ્પક્ષ તપાસ હેતુથી PMCને શૉ-કોઝ નોટિસ આપેલી છે અને એના ડિટેલ સ્ટ્રક્ચર ફેલિયર રિઝન્સ રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે. તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે આપણે SVNIT, સુરત સાથે સંપર્ક કરી અને એમના દ્વારા આ ટાંકી અને યોજનાની બીજી ટાંકીઓના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવશે.
સ્થાનિક દિપકભાઈ ઠાકોરભાઈ પટેલએ જણાવ્યું કે, રાત્રે અચાનક 9:00 થી 9:30 વચ્ચે જોરથી અવાજ આવ્યો હતો. જેથી સ્થળ પર તપાસ કરીને જોયું તો ટાંકી પડી ગઈ હોવાની જાણ થઈ હતી. ગુણવત્તામાં હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરેલું છે. રેતી સારી ગુણવત્તાની હતી નહીં, સળિયા પણ અંદર જોઈએ તેવા સારા નથી વાપરેલા. આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો બાજુમાં આંગણવાડી છે, જ્યાં લગભગ 50-60 બાળકો ભણવા આવે છે એ બાળકોને નુકસાન થાત. આ તો ઓપોઝિટ સાઈડે ટાંકી પડી ગયેલ છે બંને બાજુની. આ ટાંકી ચાલુ થયાને લગભગ બે-ત્રણ દિવસ થયેલા છે, હજુ તો નવી બનાવેલી ટાંકી છે. કોન્ટ્રાક્ટરને સરકારનો જે નિયમ હોય તે પ્રમાણે સજા થવી જોઈએ.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
