રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં કુલ સાત જેટલા ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી જ ધરતી ઉપરા ઉપરી ધ્રૂજતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વહેલી સવારથી દોઢ કલાકમાં 6 ભૂકંપ (Earthquake) ના આંચકા
આજે સવારે 6 વાગ્યાથી સાડા 7 વાગ્યા સુધી માત્ર દોઢ કલાકના સમયગાળામાં છ આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઈ ગયા હતા. આ આંચકાઓ જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ અનુભવાયા હતા.જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સીસમોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
ઉપલેટાથી 27થી 30 કિમી દૂર કેન્દ્રબિંદુ
ગઇકાલે સાંજે 4 વાગ્યે 43 મિનિટે પહેલો ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ આજે વહેલી સવારથી આંચકાઓની આવૃત્તિ વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.તમામ આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપ (Earthquake) ની તીવ્રતા 3.5 થી 3.8 રિક્ટર સ્કેલ વચ્ચે નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજી-જેતપુરમાં તમામ શાળાઓમાં રજા જાહેર
બે હજારની સાલના ભૂકંપ (Earthquake) ના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે. અનેક લોકો ઘરોની બહાર આવી ખુલ્લા સ્થળે એકત્ર થતા નજરે પડ્યા હતા. સલામતીના પગલાં તરીકે ધોરાજી અને જેતપુર તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના નિર્ણય બાદ પરત મોકલવામાં આવ્યા હતા.
તંત્ર એલર્ટ, તલાટી-સરપંચોને સૂચના
સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
