છોટાઉદેપુર નગરમાં છેલ્લા ત્રણ દિવસથી એક ગાંડા બનેલા ભૂંડે (Boar) ભારે આતંક મચાવ્યો હતો. આ હિંસક ભૂંડે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી અનેક નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો, જેના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને સમગ્ર નગરમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિચિત્ર અને ભયજનક વર્તન કરતા આ ભૂંડ (Boar) ના અચાનક હુમલાઓથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળતાં પણ ડર અનુભવતા હતા અને બજાર વિસ્તારોમાં દહેશત ફેલાઈ હતી.
ગાંડા બનેલા ભૂંડે (Boar) અનેક લોકો ઉપર કર્યો હુમલો
છોટાઉદેપુર નગરના અતિ વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી ભૂંડ (Boar) ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ભૂંડે પાંચ જેટલા લોકોને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા, જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આતંક વચ્ચે ભૂંડ અચાનક નગરની એક દુકાનમાં ધસી આવ્યું હતું. તે સમયે દુકાનદારે અદ્ભુત સાહસ અને સમયસૂચકતાનો પરિચય આપ્યો હતો. ભૂંડ દુકાનમાં પ્રવેશતાં જ દુકાનદાર સાવચેતીપૂર્વક બહાર નીકળી ગયા અને તરત જ બહારથી દુકાનનું શટર બંધ કરી દીધું હતું.
દુકાનમાં ઘૂસેલા ભૂંડ સામે દુકાનદારની બહાદુરી
દુકાનદારની સમજદારીના કારણે આતંક મચાવતો ભૂંડ (Boar) દુકાનની અંદર જ કેદ થઈ ગયું હતું. જેથી વધુ લોકોને ઇજા પહોંચતી અટકી ગઈ હતી. ભૂંડ દુકાનમાં કેદ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. બાદમાં સ્થાનિક લોકો અને ભૂંડ પકડવામાં નિષ્ણાત શખ્સોએ મળીને પૂરતી સાવચેતી સાથે ભૂંડને કાબૂમાં લીધો હતો અને ભારે જહેમત બાદ આખરે આ હિંસક ભૂંડ (Boar) ને પકડી પાડવામાં સફળતા મળી હતી. ભૂંડ પકડાઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી ભયના ઓથાર હેઠળ જીવતા છોટાઉદેપુરના નગરજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે.
છોટાઉદેપુર શહેરમાં મોટા દાંત ધરાવતા જંગલી ભૂંડોની સંખ્યામાં ખુબ જ મોટો વધારો થયો હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. તેમજ ભૂંડોના વારંવાર થતા હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નગરમાં દરેક જગ્યાએ ઝુંડમાં ભૂંડો ફરી રહ્યા હોય રાહદારીઓ પાછળ દોડી પડે છે તેમજ વાહન ચાલકો સાથે અવારનવાર અથડાતા વાહન ચાલકો પડી જવાના બનાવો બને છે, ત્યારે નગરજનો દ્વારા લોકહિતમાં તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે નગરપાલિકા પાસે માંગ કરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
