સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડૉ. કૌશિક પટેલ, હવે ૧લી ફેબ્રુઆરી ૨૦૨૬થી સુરતની પ્રતિષ્ઠિત શેલ્બી હોસ્પિટલ સાથે જોડાઈ રહ્યા છે. ડૉ. કૌશિકના જોડાવાથી શેલ્બી હોસ્પિટલમાં હવે રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
ડૉ. કૌશિક પટેલ છેલ્લા ૧૫ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં ૭,૦૦૦ જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે. તેમણે એમ.એસ. (ઓર્થોપેડિક)નો અભ્યાસ ઈન્દોરથી પૂર્ણ કર્યો છે. તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ, અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે.
આ અંગે વાત કરતા ડૉ. કૌશિક પટેલ જણાવે છે કે, “સમગ્ર ગુજરાતમાં રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ ગણ્યા-ગાંઠ્યા સેન્ટરો પર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા છીએ. શેલ્બીમાં બે-બે રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે.”
શા માટે શેલ્બી હોસ્પિટલની પસંદગી કરી?
શેલ્બી હોસ્પિટલ સાથે જોડાવવા અંગે ડૉ. કૌશિક પટેલે કહ્યું કે, “શેલ્બી જેવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત ‘બેક સપોર્ટ’ મળે છે. જો કોઈ દર્દીને અન્ય બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ હોય, તો એક જ સ્થળે તમામ નિષ્ણાતોની ટીમ મળી રહે છે. અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી સુવિધાઓ અને રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપી શકાય, તે જ મારો મુખ્ય હેતુ છે.”
ડૉ. કૌશિક પટેલના આ નવા પ્રારંભથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને દેશ-વિદેશથી આવતા દર્દીઓને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે.
