Watchman caught taking bribe : અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી પંકજ વિદ્યાલયના કેમ્પસમાંથી રૂ. 3 લાખની રોકડ સાથે એક વર્ગ-4ના કર્મચારી એટલે કે વૉચમેનને રંગેહાથ ઝડપી લીધો છે. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણ જગતમાં ફરી ભ્રષ્ટાચારનો દાગ
આ લાંચકાંડની ફરિયાદ એક નિવૃત્ત કર્મચારી દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદીના પેન્શન અને GPFની ફાઈલ પર સહી કરવા અને પ્રક્રિયા આગળ વધારવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. નિવૃત્તિ બાદ પોતાના હકના પૈસા મેળવવા માટે પણ લાંચ (Bribe) માંગવામાં આવતા ફરિયાદીએ અંતે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
પેન્શન અને GPF માટે લાંચ (Bribe) ની માંગ
એસીબીની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા કુલ રૂ. 5 લાખની લાંચ (Bribe) ની માંગ કરવામાં આવી હતી. જેમાંથી અગાઉ રૂ. 2 લાખ લઈ લેવામાં આવ્યા હતા. બાકી રહેલા રૂ. 3 લાખ આજે પંકજ વિદ્યાલયના કેમ્પસમાં આપવાના નક્કી થયા હતા, જેની જાણ એસીબીને પહેલેથી જ કરવામાં આવી હતી.
આજે બાકી રહેલા રૂ. 3 લાખની લેતી-દેતી પંકજ વિદ્યાલયના કેમ્પસમાં આવેલી ટ્રસ્ટીની ઓફિસ બહાર થવાની હતી. મુખ્ય આરોપી અને એમ.એમ. પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન વતી વૉચમેનને રકમ સ્વીકારવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
મુખ્ય આરોપી ટ્રસ્ટી ફરાર
એસીબીએ અગાઉથી ગોઠવેલા છટકા મુજબ, જેવો વૉચમેને રૂ. 3 લાખની રોકડ સ્વીકારી, કે તરત જ એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ દબોચી લીધો હતો. ટ્રેપ સફળ રહી અને સ્થળ પરથી રૂ. 3 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જેની ઓફિસ બહાર લાંચ (Bribe) ની લેતી-દેતી થઈ રહી હતી, તે મુખ્ય આરોપી અને એમ.એમ. પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન એસીબીની કાર્યવાહી દરમિયાન પોલીસ પકડમાંથી ફરાર થઈ ગયા હતા. હાલ એસીબીએ ફરાર ટ્રસ્ટીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર શિક્ષણ સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી સંસ્થાઓમાં નિવૃત્ત કર્મચારીઓના હકના પૈસા માટે પણ લાંચ (Bribe) માંગવામાં આવતી હોવાની હકીકત સામે આવતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે.
ACBની કાર્યવાહીથી ખળભળાટ
એસીબી દ્વારા કરવામાં આવેલી આ ટ્રેપ કાર્યવાહી બાદ સંસ્થાના સંચાલનમાં દોડધામ મચી ગઈ છે. હાલ વૉચમેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુખ્ય આરોપી ટ્રસ્ટીની ધરપકડ માટે એસીબી દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
