અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે એક કરુણ વાસ્તવિકતા સામે આવી છે. શહેરના ચોક્કસ વિસ્તારોમાં છેલ્લા 7 વર્ષથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાએ માજા મૂકી છે. સ્થાનિક રહીશો (Residents) દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને અરજીઓ પાછી આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ સમસ્યાથી આશરે 9 જેટલી સોસાયટીઓના હજારો રહીશો ત્રસ્ત છે.
હજારો રહીશો (Residents) નરક જેવી સ્થિતિમાં જીવવા મજબુર
રહીશોના કહેવા મુજબ છેલ્લા સાત વર્ષથી સતત ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ભરાઈ રહેતા હોવાથી સમગ્ર વિસ્તારમાં નરક જેવી સ્થિતિ સર્જાઈ છે. શાળાએ જતાં નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે,જેના કારણે તેમના યુનિફોર્મ બગડે છે અને અકસ્માતનો ભય રહે છે. વૃદ્ધો માટે આ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. તેમજ ઉભરાતી ગટરોને કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય વધી ગયો છે.
તંત્રના આશ્વાસનોથી રહીશો કંટાળ્યા, તાત્કાલિક કાયમી નિરાકરણ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે. રહીશો (Residents) નો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળે છે, નક્કર કામગીરી શૂન્ય છે. તંત્રની ઉદાસીનતા સામે સોસાયટીના રહીશોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની એક જ માંગ છે કે વહેલી તકે આ ગટર લાઇનનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો રહીશો (Residents) દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
