ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા
સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સંસ્થા દ્વારા વિવિધ કેટેગરીમાં વિજેતા રહેલા દોડવીરોને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે દીકરીઓને સશકત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે. જેને ધ્યાનમાં રાખીને ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજરોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં સામાન્ય નાગરિકો સાથે જ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારે ૫:૪૫ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીખાતેથી દોડની શરૂઆત થઈ હતી. 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમી એમ કુલ ચાર કેટેગરીમાં આ મેરથોન દોડ યોજાઈ હતી. દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મ શ્રી મથુર ભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા.