પાટણ (Patan) શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો (કતલખાના) વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાની ટીમે શહેરના ખાટકીવાડા વિસ્તાર માં આવેલા અંદાજે 48 જેટલા કતલખાનાઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસની ફોજ સાથે પાટણ (Patan) પાલિકાની ટીમ ઉતરી
પાટણ (Patan) નગરપાલિકા દ્વારા ગત 22 ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ પાટણ નગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો. નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ના નિયમો મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી. સ્લોટરિંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હતું. તેમજ આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
નિયમોનું પાલન ન કરતી દુકાનો સીલ, નળ-વીજ કનેક્શન પણ કપાયા
કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ (Patan) નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો, GEB (વીજ કંપની) ની ટીમ અને ફાયર વિભાગની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી.માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં, પરંતુ નિયમભંગ કરનારા તમામ એકમોના વીજ જોડાણ (GEB), નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવાની કામગીરી પણ પાટણ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
