Gujarat –ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘર ના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવન ની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”
ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.