સુરત, 4 જુલાઈ 2026: મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT), સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચરના એસસીઈટી કેમ્પસમાંથી નવા એમએસ-આઈડીપીટી કેમ્પસમાં થયેલા ઐતિહાસિક સ્થળાંતરના અવસરે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વર્ષ 1995માં સ્થાપિત AAERT અને SSB ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચર છેલ્લા ત્રણ દાયકાથી આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કલાકારો અને સર્જનાત્મક વ્યાવસાયિકોની અનેક પેઢીઓનું ઘડતર કરતી આવી છે. શૈક્ષણિક વર્ષ 2026–27થી આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, ફાઇન આર્ટ્સ તથા વિઝ્યુઅલ આર્ટ્સના તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો નવા મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT) કેમ્પસમાં શરૂ થઈ રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાએ પોતાના જૂના કેમ્પસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેની ગૌરવશાળી પરંપરાને વંદન કર્યું.
કાર્યક્રમની શરૂઆત સત્યનારાયણ પૂજા સાથે કરવામાં આવી, જેમાં સંસ્થાના નવા અધ્યાય માટે શુભાશિષ અને પ્રાર્થના કરવામાં આવી.
આ પ્રસંગે સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ ‘ટાઈમલેસ સ્ટ્રક્ચર અને ટાઈમ કેપ્સ્યુલ’નું સમર્પણ કરવામાં આવ્યું. આ કેપ્સ્યુલમાં વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ, સ્મૃતિઓ, ફોટોગ્રાફ્સ, પ્રકાશનો, અહેવાલો, સંદેશાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના અમૂલ્ય યોગદાનને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ટાઈમ કેપ્સ્યુલ જુલાઈ 2045માં ફેકલ્ટીની સુવર્ણ જયંતિ નિમિત્તે ખુલ્લી મુકવામાં આવશે.


પર્યાવરણ સંરક્ષણ, સતત વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના સંદેશ સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા સાર્વજનિક યુનિવર્સિટીના મહાનુભાવોના હસ્તે નવ આસોપાલવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.


આ ઐતિહાસિક કાર્યક્રમમાં મેનેજમેન્ટ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. સંસ્થાની ગૌરવશાળી પરંપરાને સન્માન આપતાં આ કાર્યક્રમ દ્વારા નવા ભવિષ્ય તરફના સફરની શુભ શરૂઆત ઉજવવામાં આવી.

