હિમાચલ (Himachal) પ્રદેશમાં ચોમાસાના ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય હવામાન વિભાગે 5 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાની શરૂઆત બાદ સતત વરસી રહેલા વરસાદે હિમાચલના અનેક જિલ્લાઓમાં સામાન્ય જીવન પર ગંભીર અસર કરી છે.
હિમાચલ (Himachal) માં ભારે વરસાદથી 9ના મોત
સત્તાવાર માહિતી અનુસાર હિમાચલ (Himachal) માં 30 જૂનથી ચોમાસા સંબંધિત વિવિધ ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા હતા. મૃતકોમાં ચંબા, કુલ્લુ, કાંગડા, મંડી અને શિમલા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. ઉપરાંત 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
હિમાચલમાં 49 રસ્તા બંધ, અનેક વિસ્તારો સંપર્કવિહોણા
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે હિમાચલ (Himachal) માં કુલ 49 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ અસર કુલ્લુ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 18 રસ્તા બંધ છે. મંડીમાં 15, સિરમૌરમાં 9 તેમજ લાહૌલ-સ્પિતિ અને ઉનામાં 2-2 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
5 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે હિમાચલ (Himachal) ના અનેક જિલ્લાઓ માટે 5 જુલાઈ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને નદી-નાળાની નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને ભૂસ્ખલન સંભાવના ધરાવતા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.
વીજળી અને પાણી પુરવઠા પર પણ અસર
ભારે વરસાદના કારણે હિમાચલ (Himachal) માં 181 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત 6 પાણી પુરવઠા યોજનાઓ પણ અસરગ્રસ્ત બની છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે.
આ પણ વાંચો : Air India એ શરૂ કરી ‘બેઝિક’ ભાડાની કેટેગરી: ચા-કોફી કોમ્પ્લિમેન્ટરી રહેશે; પસંદગીના ઘરેલું રૂટ્સ પર ટ્રાયલ શરૂ
સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો?
હિમાચલ (Himachal) માં સૌથી વધુ વરસાદ પાઓન્ટા સાહિબમાં 100.4 મીમી નોંધાયો છે. આ ઉપરાંત કસૌલીમાં 86 મીમી, ધરમપુરમાં 83.4 મીમી, જટ્ટો બેરેજમાં 77 મીમી, ધૌલા કુઆનમાં 69 મીમી, પછડમાં 60 મીમી, રામપુરમાં 53 મીમી, ઉનામાં 50.4 મીમી, નાહનમાં 38.3 મીમી, પાલમપુરમાં 37.8 મીમી અને ધર્મશાળામાં 34.1 મીમી વરસાદ નોંધાયો છે.
ચોમાસાથી કરોડોનું નુકસાન
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા મુજબ હિમાચલમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી અંદાજે ₹69.65 લાખનું નુકસાન નોંધાયું છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
પ્રશાસનની લોકોને અપીલ
પ્રશાસને લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા, જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવા અને વરસાદ દરમિયાન જોખમી વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. જો આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
