અમદાવાદના શાંતિપુરા ચોકડીથી આજે કોંગ્રેસ (Congress) દ્વારા ખેડૂતોના અધિકારો માટે ભવ્ય “કિસાન અધિકાર યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર સુધી કૂચ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જોકે પોલીસ દ્વારા માત્ર ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી હતી. રેલીમાં 20થી વધુ ખેડૂત સંગઠનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
કોંગ્રેસ (Congress) ના નેતાઓએ સંભાળ્યું ટ્રેક્ટરનું સ્ટિયરિંગ
રેલી દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે ટ્રેક્ટર ચલાવીને આગળ વધ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, કરસન ભાદરકા, વિક્રમ ઠાકોર સહિતના નેતાઓ પણ ટ્રેક્ટરમાં સવાર થયા હતા. પ્રગતિ આહિરે પોતાના ટ્રેક્ટરમાં ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડીને યાત્રામાં ભાગ લીધો હતો. રેલી “જય જવાન, જય કિસાન”ના નારાઓ સાથે શાંતિપુરાથી ઓગણજ તરફ આગળ વધી હતી. રસ્તામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તાઓ જોડાતા ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી.
ખેડૂતોની પાંચ મુખ્ય માંગણીઓ સાથે કોંગ્રેસનું આંદોલન
કોંગ્રેસ (Congress) અને વિવિધ ખેડૂત સંગઠનોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં ખેડૂતોના દેવા માફી, પાકની ટેકાના ભાવે ખરીદી, વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં થતી દખલગીરી અટકાવવી, યોગ્ય વળતર આપવું અને જમીન સંપાદનમાં પારદર્શિતા લાવવાની માંગનો સમાવેશ થાય છે. વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોની સમસ્યાઓ અંગે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે અને 50 જેટલા પ્રતિનિધિઓને ગાંધીનગરમાં રજૂઆત કરવાની મંજૂરી મળે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
ઓગણજમાં સભા, ભારે પોલીસ બંદોબસ્ત
ઓગણજ સ્થિત શતાબ્દી મહોત્સવ મેદાનમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ક્રાઇમ બ્રાન્ચના JCP, ત્રણ DCP, પાંચ ACP સહિત 200થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલી દરમિયાન પોલીસ દ્વારા ખેડૂતો માટે છાશ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર ખેડૂતોને છાશ વિતરણ કર્યું હતું.
જીગ્નેશ મેવાણી રેલીમાંથી થયા ગાયબ
રેલી દરમિયાન એક રસપ્રદ ઘટના પણ સામે આવી. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ (Congress) ના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા હતા, પરંતુ બાદમાં તેઓ અચાનક રેલી છોડીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
સરકાર સામે કોંગ્રેસના આક્ષેપ
કોંગ્રેસ (Congress) ના નેતાઓએ આરોપ લગાવ્યો કે સરકાર ખેડૂતોની જમીન સંપાદન અને વીજ પ્રોજેક્ટના નામે ખેડૂતો પર અન્યાય કરી રહી છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ દાવો કર્યો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, જ્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતના લાખો ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાયા છે અને સરકારની નીતિઓના કારણે ખેતી સતત મુશ્કેલ બની રહી છે.
કોંગ્રેસની ટ્રેક્ટર રેલીથી રાજકીય ગરમાવો
અમદાવાદથી ઓગણજ સુધી નીકળેલી કોંગ્રેસ (Congress) ની ટ્રેક્ટર રેલીને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ યાત્રા દ્વારા કોંગ્રેસે સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ આ મુદ્દે આગળ શું રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

