ખેડા જિલ્લામાં નેશનલ હાઈવે તરફ જતા પીજ ચોકડી નજીક આવેલા બ્રિજ પાસેના સર્વિસ રોડ પર ગાય (Cow) નું માથું કપાયેલી હાલતમાં મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ જ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં આવી પ્રકારની આ છઠ્ઠી ઘટના છે. વારંવાર ગાયોના અવશેષો મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
* સર્વિસ રોડ પર ગાય (Cow) નું કપાયેલું માથું મળતાં ચકચાર
* એક વર્ષમાં આ છઠ્ઠી ઘટના હોવાનો સ્થાનિકોનો દાવો
* ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
* દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી
ઘટનાની જાણ જાગૃત નાગરિકોએ પોલીસને કરતા વસો પોલીસ સ્ટેશનના પી.આઈ. સોનલ ચાવડા સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સ્થળ પર તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોનું બારીકીથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સીસીટીવી ફૂટેજ, સ્થાનિક માહિતી અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમનો આક્ષેપ છે કે વારંવાર ગાયો (Cows) ના અવશેષો મળી રહ્યા છે, જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે અને તંત્રએ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ.
પોલીસ તરફથી પ્રાથમિક રીતે જણાવવામાં આવ્યું છે કે આ મામલે તમામ સંભવિત દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક સંકેતો મુજબ કુતરાઓ દ્વારા ગાય (Cow) ના અવશેષો લાવવામાં આવ્યા હોવાની સંભાવના પણ તપાસ હેઠળ છે, જોકે હજી સુધી કોઈ નિશ્ચિત તારણ સામે આવ્યું નથી. વારંવાર બની રહેલી આવી ઘટનાઓ બાદ હવે પોલીસ અને તંત્ર શું પગલાં લે છે તેના પર સ્થાનિક લોકો અને સંગઠનોની નજર મંડાઈ છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
