વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના (VMC) ડમ્પર (Dumper) ની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. વડસર બ્રિજ નજીક ડમ્પર (Dumper) ની અડફેટે આવતા એક સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે શોધખોળ તેજ કરી છે.
પાલિકાના ડમ્પર (Dumper) ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા
પ્રાપ્ત માહિતી મુજબ, ગોકુળનગર સોસાયટી, વડસર ખાતે રહેતા અમિતભાઈ સુરતી જેઓ જીઆઇડીસીમાં નોકરી કરતા હતા, તેઓ રોજની જેમ સવારના સમયે સાયકલ પર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વડસર બ્રિજ પાસે પેટ્રોલ પંપની બાજુમાં અચાનક કોર્પોરેશનના ડમ્પર (Dumper) ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પરચાલક તરત જ નાસી છૂટ્યો હતો, જેના પગલે લોકોમાં પાલિકાના ડ્રાઈવરોની બેદરકારી સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અકસ્માતના કારણે વડસર બ્રિજ પર થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
અકસ્માત સર્જી ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ કરાઈ
ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અકસ્માત સર્જી ફરાર ડમ્પરચાલક શોધખોળ શરૂ કરાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરામાં વધતા અકસ્માતોથી ભયનો માહોલ
વડોદરા શહેરમાં રોજેરોજ વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈ જનતા વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને કોર્પોરેશનના ડમ્પર (Dumper) અને અન્ય ભારે વાહનોની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનો આ વધુ એક ચિંતાજનક બનાવ બન્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
