સુરત શહેરમાંથી ફરી એકવાર ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા નકલી ઘી (Ghee) ના કારખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી અને 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ કબજે કર્યું છે.
જુલાઈ 2025માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ (નવી કેટેગરી)માં બીજો રેન્ક મળ્યો હતો. જોકે સ્વચ્છતાના આ ખિતાબ વચ્ચે સુરત શહેર નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના હબ તરીકે ઓળખાતું જાય છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
લસકાણા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની દુકાનમાં શુદ્ધ ઘી (Ghee) ના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ ગંભીર માહિતીના આધારે આજે 5 જાન્યુઆરીના રોજ પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અલ્પેશ ઇશ્વરભાઈ સાંથલીયા અત્યંત જોખમી રીતે નકલી ઘી (Ghee) તૈયાર કરતો હતો. વધુ નફો કમાવવાની લાલચમાં તે વેજીટેબલ અને સોયાબીન ઓઈલમાં ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરી ઘી જેવી સુગંધ ઊભી કરતો હતો. તબેલામાં બનતું થોડું ઓરિજનલ ઘી (Ghee) પણ આ મિશ્રણમાં ઉમેરીને તેને ગરમ કરી ગ્રાહકોને છેતરવામાં આવતા હતા.
319.54 કિલો ઘી (Ghee) અને 856 કિલો વેજીટેબલ/સોયાબીન ઓઈલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે કુલ રૂ. 2,11,865નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 319.54 કિલો ભેળસેળયુક્ત ઘી (રૂ. 79,885), 856 કિલો વેજીટેબલ/સોયાબીન ઓઈલ (રૂ. 1,25,600) તેમજ એસેન્સ અને અન્ય સાધન સામગ્રીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સુરતમાં ઉતરાયણ (Uttarayana) પર્વ પહેલા કરૂણ ઘટના, માસુમ પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પટકાતા મોત
‘તબેલાનું શુદ્ધ ઘી’ કહીને ગ્રાહકોને છેતરાતા
આરોપીની પૂછપરછમાં ખુલ્યું છે કે તે આ નકલી ઘી (Ghee) ને ‘તબેલાનું શુદ્ધ ઘી’ કહીને વેચતો હતો. સામાન્ય રીતે રૂ. 1200 પ્રતિ કિલોના ઘી બદલે તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર રૂ. 300 પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો હતો. દૂધ લેવા આવતા ગ્રાહકોનો વિશ્વાસ જીતીને તેમને રૂ. 500 પ્રતિ કિલોના ભાવે આ નકલી ઘી વેચવામાં આવતું હતું.
સુરત પોલીસે આરોપી અલ્પેશ સાંથલીયાની અટકાયત કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નકલી ઘી (Ghee) શહેરની અન્ય કઈ દુકાનો અને હોટેલોમાં સપ્લાય કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ સસ્તા ભાવે મળતી ખાદ્યસામગ્રીની શુદ્ધતા બાબતે સાવચેત રહેવું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
